અમદાવાદઃ દેશના મહાન ક્રાંતિકારી અને શહીદ એ આઝમ ભગતસિંહની આવતીકાલે પુણ્યતિથિ છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી આ દિવસે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં મશાલ યાત્રા યોજશે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાશે. આ સાથે જ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે, અમદાવાદના નિકોલ ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિરથી અમર જવાન સર્કલ સુધી આ મશાલ પદયાત્રા યોજાશે.
23 માર્ચે શહીદ દિવસઃ 23 માર્ચ એટલે એક એવો દિવસ છે, જે ભારતની જનતા ક્યારે પણ ન ભૂલી શકે. આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના અનેક સ્થળો પર દેશભક્તિના અને વીરાંજલીના કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીએ પણ 23 માર્ચે તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં એક મશાલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહીદને યાદ કરવાનો દિવસઃ આમ આદમી પાર્ટીના યૂથ વિંગના પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં એક એવા મહાન ક્રાંતિકારી થઈ ગયા છે. તે જવાનોને યાદ કરવાનો દિવસ. 23 માર્ચને આપણે શહીદ દિવસ તરીકે ઓળખીએ છીએ. જેમણે ભારતને આઝાદીમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો, જેમણે 23 વર્ષ અને 20 દિવસની ઉંમરમાં જ હસતા મોઢે માટે દેશ માટે ફાંસીના માંચડે ચડી ગયા હતા. વીર પુરૂષ શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે આમ આદમી પાર્ટી રાજ્યના તમામ જિલ્લાઓમાં મશાલ પદયાત્રા યોજશે.
નિકોલથી નીકળશે મશાલયાત્રાઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ રાજ્યના તમામ જિલ્લામાં આ આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને ગુજરાત રાજ્યની જનતા પણ જોડાશે. અમદાવાદની વાત કરીએ તો, નિકોલ ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિરથી આ મશાલ યાત્રાનું પ્રસ્થાન થશે, જે અમર જવાન સર્કલ સુધી યોજાશે. આવી જ રીતે તમામ શહેર અને તાલુકાઓમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવા વીર પુરૂષોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી યાત્રા નીકળશે.
ભગતસિંહના વિચારો લોકો સુધી પહોંચે તે જરૂરીઃ વધુમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દેશમાં આજ દર 5 મિનિટે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં આજે 50 લાખથી પણ વધુ યુવાનો બેરોજગાર જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં હજારો લાખો રૂપિયાનું ડ્રગ્સ અને દારૂ મળી રહ્યા છે. તેના કારણે એક શિક્ષિત યુવાન પણ આજે ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે. દેશી દારૂના અડ્ડાથી યુવાનો અને જનતા ત્રાહિમામ્ પોકારી ઊઠી છે. 20થી વધુ ગુજરાતમાં પેપરો ફૂટ્યા છે. આ પેપર નહીં, પરંતુ ગુજરાતના યુવાનો અને પરિવારના સપનાઓ તૂટ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી સહિત વીર ભગતસિંહના વિચારો ગુજરાતના યુવાનો સુધી પહોંચે તે માટે મશાલ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.