અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીઓમાં ગેરરીતિ અટકાવવા માટે બિલ પસાર કર્યા બાદ જૂની પડી રહેલી ભરતીઓ ખૂબ જ ઝડપી પૂર્ણ કરવામાં આવી રહી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા અને પ્રાથમિક શિક્ષકો માટેની ટેકની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે આગામી 7 મે 2023 ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી એ પરીક્ષામાં ગેરરીતિના કોઈ પુરાવા પ્રાપ્ત થાય તો તેને વોટ્સએપ નંબર પર મોકલવા માટે નંબર પણ જાહેર કર્યો છે.
વોટ્સએપ નંબર જાહેર: આમ આદમી પાર્ટીના યુવા નેતા સામંત ગઢવીએ જણાવ્યું હતું કે અગાવ પેપર કૌભાંડની માહિતી યુવરાજસિંહ પાસે પહોંચતી હતી અને ત્યારબાદ સરકારના ધ્યાને આવતી હતી. હાલની સ્થિતિ જોતા પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબર પર કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય તો તેની માહિતી મોકલી શકો છો.
પરીક્ષાનું આયોજન યોગ્ય: 'આપ'ના યુવા નેતા સામંત ગઢવીએ જણાવ્યું હતું કે વારંવાર પેપર કૌભાંડ બાદ આજે અંદાજે 6 વર્ષ બાદ સરકારે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કર્યું છે. સરકારે દરેક પ્રકારની તૈયારીઓ કરી છે. આ પહેલા જુનિયર ક્લાર્ક અને ટેટની પરીક્ષામાં સારું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ભૂતકાળમાં તલાટીની પરીક્ષા કૌભાંડ સામે આવ્યું હતું.
સેન્ટર બદલાતા મુશ્કેલી: આમ આદમી પાર્ટી 9512040404 નંબર જાહેર કરી જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ગેરરીતિ તમારા ધ્યાનમાં આવે અને તમારી પાસે કોઈ નક્કર પુરાવા હોય તો આ નંબર પર વોટ્સઅપ કરી આપવા જેથી અમે સરકાર સામે તે પુરાવા રજૂ કરીશું. ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પણ જરૂર પડશે તો કરવા તૈયાર છીએ. વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જેમ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જિલ્લા બદલી કરીને સેન્ટર ફાળવવામાં આવ્યા હતા તે રીતે તલાટીમાં પણ જિલ્લા બદલી કરીને સેન્ટર ફાળવવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પણ અલગ અલગ શહેરમાં જવાબદારી સોંપવામાં આવી છે.