અમદાવાદ:10મી સપ્ટેમ્બરે સુસાઈડ પ્રિવેન્શન ડે(Suicide Prevention Day) એટલે આત્મહત્યા નિવારણ દિવસ છે, ત્યારે જ મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઈકોક્લબ પાસેના મોબાઇલ ટાવર પર(Mobile towers near Kankaria Ecoclub, Maninagar) એક યુવક ચડી ગયો હતો અને કલાકો બાદ કૂદીને આપઘાત કર્યો હતો. ત્યાં કલાકો સુધી તમાશો થયા બાદ તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી, પણ તે પોતાનાં સંસાધનોનો ઉપયોગની શરૂઆત કરે તે પહેલાં જ યુવક બીજી તરફથી કૂદી ગયો હતો અને જેને કારણે તેનું મોત નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવકને બચાવવા માટે પ્રયાસ:કાંકરિયાના ગેટ નંબર 3 પાસે આવેલા એક મોબાઈલ ટાવર પર આજે સવારે એક યુવક ચડી ગયો હતો. થોડીવારમાં આ વાતની જાણ આસપાસના લોકો થઈ ગઈ તથા ત્યાં ટોળેટોળાં ભેગાં થવા લાગ્યાં હતાં. ગણતરીની ક્ષણોમાં એટલી મોટી ભીડ થઈ ગઈ કે ત્યાં પોલીસ આવી ગઈ હતી. આ બધી વિગતોની જાણ પોલીસ અને સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને કરતાં તેની ટીમ ત્યાં પહોંચી હતી. તેણે પહેલા મોબાઇલ ટાવરની આસપાસ નેટ લગાવીને યુવક જો કૂદે તો તેને બચાવવા માટે પ્રયાસ કરવાની તૈયારીઓ કરી હતી, પણ યુવક નીચે ઊતરવાનું નામ લઈ રહ્યો હતો અને આ તમાશો કલાકો સુધી ચાલ્યો હતો.
આત્મહત્યા પાછળનું કારણ અકબંધ:આ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારીઓનો આ યુવકને બચાવવાનો પ્રયાસ કરે તે પહેલા, ઉપર ચડેલો યુવાન આગળની તરફ કૂદવાને બદલે પાછળની તરફ કૂદી ગયો હતો અને જેને કારણે ગંભીર રીતે ઘવાયો હતો. તેને તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક ગંભીર હાલતમાં હતો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. હાલ તેની ઓળખ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ,પોલીસ દ્વારા તેની ઓળખ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે યુવકે કેમ મોતને વ્હાલું કર્યું તે તમામ સવાલો આગામી સમયમાં પોલીસ તપાસ સામે આવશે.