- વિશ્વકર્મા મંદિર પાસેના રોડ પર ભૂવો પડ્યો
- રોડની નબળી કામગીરી માટે કોર્પોરેશન જવાબદાર
- ભૂવા પડ્યા બાદ સત્વરે સમારકામ જરૂરી
અમદાવાદ : શહેરમાં મહા નગરપાલિકાની ચૂંટણી નજીક આવી ગઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું મુખ્ય કામ નળ, ગટર, રસ્તા અને લાઇટ જેવી સુવિધાઓ શહેરના નાગરિકોને પૂરી પાડવાનું છે, પરંતુ કેટલીક વાર મહા નગરપાલિકાની નબળી કામગીરી રોડ વચ્ચે જ ખૂલ્લી પડી જાય છે.
માર્ગની વચ્ચે જ વિશાળ ખાડામાં વહી રહ્યું છે સતત પાણી
પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતા બ્રિજ નજીક આવેલા વિશ્વકર્માના મંદિરથી ચાંદલોડિયા અને વંદે માતરમ રોડ તરફ જતા માર્ગોની વચ્ચે જ ગત બે દિવસથી ભૂવો પડ્યો છે. અચાનક પડેલા વિશાળ ખાડામાં સતત ખળખળ પાણી વહી રહ્યું છે. વિસ્તારમાં આસપાસ કામગીરી કરતા અને દુકાન ધારકોના જણાવ્યા પ્રમાણે રોડ વચ્ચે રાત્રે ભૂવો પડ્યો હતો. જેમાં ગાડી પણ ફસાઇ હતી. બે દિવસથી કોર્પોરેશનના કર્મચારીઓ આવે છે અને નિરીક્ષણ કરી જતા રહે છે. ભૂવા ફરતે પટ્ટી અને પતરાં બાંધવાનું રવિવારની બપોરે શરૂ કર્યું હતું.
જમીન રેતાળ હોય તો ભૂવા પડે
જમીન નિષ્ણાતોના મતે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભૌગોલિક રીતે રેતાળ હોવાથી જમીન બેસી જવાની ઘટના વારંવાર બની શકે છે, પરંતુ ભૂવા પડ્યા બાદ એનું સત્વરે સમારકામ થાય એ ખૂબ જ જરૂરી છે.