અમદાવાદ: લોકસભા 2024ની ચૂંટણી યોજાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એકબાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાને મજબૂત કરવા મહેનત કરી રહી છે. ત્યારે બીજી બાજુ તેમના કાર્યકર્તાઓ અને પૂર્વ નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાણ કરી રહ્યા છે. આ પહેલા પણ અંદાજિત 80 જેટલા આમ આદમી પાર્ટીના અલગ અલગ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ જ ફરી એકવાર 50 જેટલા કાર્યકર્તા આપનો છેડો ફાડીને કોંગ્રેસનો ખેશ ધારણ કર્યો છે.
દૂધમાં સાંકળ ભળે તેમ ભળી જશે: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં કોંગ્રેસ હવે ગુજરાતના હિતની લડાઈ લડી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અસ્મિતાને ઠેસ લગાડી છે. કોંગ્રેસ હવે ફરી એકવાર ગુજરાતની અસ્મિતાને બચાવવા માટે લડાઈ લડી રહી છે. આજે જે પણ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને કોંગ્રેસમાં આવી રહ્યા છે તેમનું સ્વાગત છે. જેમ દૂધમાં સાંકળ ભળતા જ દૂધમાં મીઠાશ વધે છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીના તમામ આવનાર કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં ભળી જશે.
કમલમ કેમ તૂટતા નથી: સરકાર પર વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવસેને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. કરોડો રૂપિયાના બ્રિજ બનાવવામાં આવે છે. માત્ર ગણતરીના મહિનાઓમાં જ તૂટી રહ્યા છે. એક બાજુએ દાવા કરી રહ્યા છે કે, સિમેન્ટ ખરાબ હોવાને કારણે બ્રિજ તૂટી રહ્યા છે. ત્યારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો સિમેન્ટ હોવાને કારણે બ્રિજ તૂટતા હોય તો તેમને જ બનાવેલા કમલમ કેમ તૂટી રહ્યા નથી. આજે ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે. પણ આ ગુજરાતના સંસ્કાર નથી.
5 પૂર્વ નેતા જોડાયા: ગુજરાતમાં એક બાજુ આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરવા માટે સતત મહેનત કરી રહી છે. બીજી બાજુ તેમના જ નેતાઓ તેમનો સાથ છોડી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના પ્રમુખ અને પ્રભારીઓએ પણ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને કોંગ્રેસનો ખિસ ધારણ કર્યું હતું. આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીના પાંચ પૂર્વ નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે. જેમાં પૂર્વ પ્રમુખ મનોજ ભૂપતાણી, અમદાવાદ શહેર ઉપપ્રમુખ રમેશ વોરા, અમદાવાદ શહેર સેક્રેટરી એલ કે.પારધી અને લોકસભાના પૂર્વ પ્રભારી અજય ચોબે આજ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો.
મુખ્યપ્રધાન ઓફિસ સુધી: વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા જણાવ્યું હતું કે, જે પણ લોકો કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ગયા હતા તે સમજ ફેરના કારણે કોંગ્રેસ છોડી હતી. પરંતુ ફરી એકવાર આ તમામ લોકોની પોતાના જ ઘરમાં ફરી એકવાર પ્રવેશ કર્યો છે. ગુજરાતના હિત માટે જ કોંગ્રેસમાં જોડાયા છે. દેશના લોકો પણ હવે કર્ણાટકની જીત બાદ કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી રહી છે. દેશમાં આઝાદીની લડાઈ પણ ગુજરાતી શરૂઆત થઈ હતી હવે કેન્દ્ર સરકારમાં પણ ભાજપને હરાવવાની શરૂઆત પણ ગુજરાતમાંથી જ થશે. ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ મળી રહ્યો છે. તેના હપ્તા પણ મુખ્યપ્રધાનના કાર્યાલય સુધી પહોંચી રહ્યા છે. તો આવા બુટલેગર સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.