અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ ખાતે કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈની અધ્યક્ષતામાં પાંચ નવનિયુક્ત ન્યાયાધીશોએ શપથ ગ્રહણ કર્યા છે. ન્યાયાધીશ સુસાન પિન્ટો, હસમુખ સુથાર ,જીતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોષીએ એ શપથ ગ્રહણ કર્યા છે.
સંખ્યા વધીઃ નવનિયુક્ત ન્યાયાધીશોની સાથે જ ગુજરાત હાઇકોર્ટમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 29 થઈ ગઈ છે. આ તમામ જજ આગામી દિવસોમાં મોટી જવાબદારી અદા કરી શકે છે. ખાસ કરીને મોટા અને મહત્ત્વના કેસને લઈને કેટલાક અગત્યના નિર્ણય જાહેર કરી શકે છે.
સમારોહ સંપન્નઃ ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈએ નવનિયુક્ત તમામ ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. પાંચ નવનિયુક્ત ન્યાયાધીશ સુસાન પિન્ટો, હસમુખ સુથાર ,જીતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોષીએ એ શપથ ગ્રહણ કર્યા.
ભલામણ હતીઃ ગુજરાત હાઇકોર્ટના નવા પાંચ ન્યાયાધીશો માટે તારીખ 2 માર્ચ 2023 ના રોજ સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ભલામણ કરી હતી. આ પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂંક સાથે ગુજરાત હાઇકોર્ટમાં હવે 52 માન્ય સંખ્યાની સાથે 29 ન્યાયાધીશોની કાર્યકારી સંખ્યા થઈ છે.
શુક્રવારે ચાર્જ લીધોઃ નવા ન્યાયાધીશો એ શુક્રવારથી ચાર્જ સંભાળ્યો છે. ન્યાયાધીશો બે જજની ડિવિઝન બેન્ચના ભાગરૂપે તેમજ સિંગલમાં પણ કોર્ટના કેસોનું સંચાલન કરશે. નવનિયુક્ત પાંચ ન્યાયાધીશોની વાત કરવામાં આવે તો, જસ્ટિન સુસાન વેલેન્ટાઈન પિન્ટો, તેઓ સાબરકાંઠા ખાતે મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ તરીકે નિયુક્ત હતા.
નિયુક્તિ થઈઃ જસ્ટિસ હસમુખભાઈ સુથાર બનાસકાંઠા ખાતે મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ તરીકે નિયુક્ત હતા. આ સાથે જ તેઓ અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં રજીસ્ટ્રાર જનરલ તરીકે પણ રહી ચૂક્યા છે. જસ્ટિસ જીતેન્દ્ર દોશી ગોધરા ખાતે મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ તરીકે નિયુક્ત હતા. જસ્ટિસ મંગેશ મેંગડે વડોદરાની જિલ્લા અને સેશન્સ કોર્ટમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તરીકે નિયુક્ત હતા.
રાજ્યપાલે મંજૂરી આપીઃ સુપ્રીમ કોર્ટ કોલેજીયમના ઠરાવ મુજબ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને ગુજરાત હાઇકોર્ટના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોએ 26 સપ્ટેમ્બર 2020 ના રોજ સર્વ સંમતિથી આ પાંચ ન્યાયાધીશોની ભલામણ કરી હતી અને ત્યારબાદ મુખ્યપ્રધાન અને રાજ્યપાલે તેને મંજૂરી આપી હતી. કોલેજીયમના નિવેદમાં પણ કહેવામાં આવ્યું છે કે, તમામ ભલામણ કરનારાઓ ન્યાયાધીશો અનુભવી અને ન્યાયિક અધિકારીઓ છે.
નવી ટીમઃ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ્સ અને ફાઈલમાં ન્યાય વિભાગ દ્વારા કરવામાં આવેલા તમામ અવલોકનો સહિત રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીની પણ ચકાસણી અને મૂલ્યાંકન કર્યું હતું. કોલેજિયમે એ પણ નોંધ્યું હતું કે , IB અભિપ્રાય આપ્યો છે કે, તમામ ન્યાયાધીશો વ્યવસાયિક દ્રષ્ટિએ સારા અભિગમ ધરાવે છે .આ સાથે જ તેઓ પ્રામાણિક છે. તેના સંદર્ભમાં પણ કંઈ પણ પ્રતિકૂળ આવે એવું નથી.