અમદાવાદ: કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી અને ત્યારબાદ દુનિયાભરના દેશોએ અપનાવેલા લોકડાઉનને કારણે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સીમાઓ પણ બંધ કરવામાં આવી હતી. દુનિયાના ઘણા ખરા દેશોમાં ગુજરાતી સહિત અન્ય ભારતીયો વતન પરત ફરવાની રાહમાં અટવાયા હતા. આવા સમયે ‘વંદે ભારત મિશન’ જેવા અનેકાનેક પગલાં થકી કેન્દ્ર અને રાજ્યની સરકારોએ નાગરિકોને પરત લાવવાની કામગીરી કરી છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-14-pakistan-return-photo-story-7202752_17092020163153_1709f_1600340513_479.jpeg)
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-14-pakistan-return-photo-story-7202752_17092020163153_1709f_1600340513_980.jpeg)
સમગ્રતયા કામગીરીને પરિણામે બુધવારે લગભગ 40 જેટલા ગુજરાતીઓએ વાઘા બોર્ડર પાર કરી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો. વાઘા બોર્ડર પાર કરનાર ગુજરાતીઓ સહિત અન્ય ભારતીયોનો કુલ આંક 400 જેટલો થાય છે. તેમ ભારતીય સિંધુ સભાના જિલ્લા પ્રભારી ડૉ. અનિલ ખત્રીએ જણાવ્યું હતું.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-14-pakistan-return-photo-story-7202752_17092020163153_1709f_1600340513_1026.jpeg)
અમદાવાદના યુવાન અવિનાશ ભાઇ વ્યવસાયે સી.એ. છે. માર્ચ મહિનામાં તેઓ પાકિસ્તાન લગ્ન કરવા ગયા હતા. લગ્ન થયા બાદ તુરંત લોકડાઉન લાગુ થયું હતું.જેથી માતા સાથે અવિનાશભાઇને ત્યાંજ રોકાવું પડ્યું હતું. ભારત પરત ફરવાનો વારો આવ્યો ત્યારે એક વિટંબણા આવી. અવિનાશભાઇના પાકિસ્તાનના નાગરિક એવા ધર્મપત્નીની લોંગ ટર્મ વિઝાની ફ્રેશ એપ્લિકેશન કરી હોવાથી હાલ પતિ સાથે ભારત આવવાનું શક્ય ન બન્યું. અવિનાશભાઇના ધર્મપત્ની ગર્ભવતી છે. આવા સમયે અવિનાશભાઇ તેમના 58 વર્ષીય માતા સાથે અમદાવાદ પરત ફર્યા છે. અવિનાશભાઇને પોતાના ધર્મપત્નીની જરૂરી દસ્તાવેજી કામગીરી પુરી થાય અને તેણી જલદીથી ભારત આવી જાય તેની રાહ છે.
કોરોના પ્રોટોકોલને કારણે તમામ યાત્રિઓના વાઘા બોર્ડર પર કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પરત ફરનાર કોઇ જ યાત્રીનો ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યો નથી જે સારી બાબત છે તેમ એન.આર.જી. ફાઉન્ડેશનના નિયામક વિક્રમસિંહ જાદવે જણાવ્યું છે. એન.આર.જી પ્રભાગના સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર ગુજરાત પરત આવેલા તમામ યાત્રીઓ 14 દિવસ માટે ક્વોરોન્ટાઇન થશે. કોરોનાની કઠણાઇ વચ્ચે સરકારની સંવેદનશીલતાને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા 40 ગુજરાતીઓ વતન પરત ફર્યા છે.