અમદાવાદ: આજથી માસ્ક નહી પહેરનાર વ્યક્તિ સામે દંડની રકમ 200થી વઘારીને 500 કરી દીધી છે. તો આજે કોર્પોરેશને કાર્યવાહી કરતા એક જ દિવસમાં 856 લોકો પાસેથી 2,56,800નો દંડ વસુલવામાં આવ્યો છે. તો બીજી તરફ ગંદકી કરતા પાનના ગલ્લા પાસેથી 1,02,500 નો દંડ વસુલવામાં આવ્યો છે અને 376 એકમ સીલ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળતાં અમદાવાદનું તંત્ર સજાગ થયું છે. એક બાજુ સુરતમાં કેસ વધી રહ્યાં છે અને અમદાવાદમાં ઓછાં થઈ રહ્યાં છે ત્યારે તંત્ર ફરીથી પહેલાની જેમ ઢીલાશ વર્તીને કોઈ જોખમ લેવા માગતી નથી. પરિણામે માસ્ક ન પહેરવા માટે દંડ વધારવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં માસ્ક ન પહેરનાર પાસેથી 200 રૂપિયાને બદલે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે. જ્યારે બીજી બાજુ જાહેરમાં થૂંકનાર પાસેથી પણ મોટો દંડ વસૂલવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો કોર્પોરેશન પાનના ગલ્લાના માલિક પાસેથી રૂ.10,000નો દંડ વસુલ કરશે.