અમદાવાદ: ગુજરાતમાં હવે ગાંજો પકડાવો કઈ નવી વાત રહી નથી. દરેક મોટા શહેરોમાંથી ગાંજાના જથ્થા પકડાઈ રહ્યા છે. આજના યુવાનો ગાંજા રવાડે ચઢયા છે. ફરી વાર અમદાવાદમાંથી ગાંજાનો જથ્થો પકડાયો છે. જેમાં શહેર એસઓજી ક્રાઈમની ટીમને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
શુ મળી હતી બાતમી: શહેર એસઓજી ક્રાઈમની ટીમને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરવામાં આવી હતી. બાતમીમાં જાણવા મળ્યું કે, ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા બાબુ ભાટી જે એક પગે વિકલાંગ છે તે પોતાની પરિચીત ડાહીબેન મારવાડી સાથે મળીને આર્થિક ફાયદા માટે હનુમાન કેમ્પ પાસે આવવાના છે, જેથી એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવી બન્નેને ઝડપી પાડ્યા હતા. તેઓની તપાસ કરતા 98 હજાર 480 રૂપિયાની કિંમતનું 09 કિલો 848 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
" આ મામલે ઝડપાયેલા આરોપીએ અગાઉ પણ આ રીતે ગાંજો લાવીને ડિલીવરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જોકે આ આરોપીઓને ગાંજો આપનાર અને ગાંજો લેનાર બન્ને વોન્ટેડ હોય તેઓને પકડ્યા બાદ વધુ ખુલાસા થઈ શકે છે"-- જે. વી રાઠોડ (એસઓજી ક્રાઈમનાં પીઆઈ)
બે આરોપીઓ વોન્ટેડ: આ મામલે આરોપીઓ સામે એસઓજીએ ગુનો દાખલ કરી ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપીઓને કુબેરનગરનાં દિલીપ બજરંગે નામનાં શખ્સે આ ગાંજાનો જથ્થો આપ્યો હતો. આ જથ્થો તેઓ ગુલબાઈ ટેકરાની કવિતાબેન રાઠોડને ડીલીવરી કરવાના હતા. જોકે આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ વોન્ટેડ હોય તેઓની શોધખોળ પોલીસે શરૂ કરી છે.