- ટોક્યો ઓલિમ્પિક્સનો પ્રથમ દિવસ મહિલાઓને નામ
- મિક્સ્ડ ડબલ્સમાં હાર મળ્યા બાદ મહિલા સિંગલ્સમાં સપાટો
- મહિલા સિંગલ્સની બન્ને ભારતીય દાવેદારોએ પ્રથમ રાઉન્ડ જીત્યો
ન્યૂઝ ડેસ્ક : ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો પ્રથમ દિવસ મહિલાઓ માટેનો રહ્યો છે. મીરાબાઈ ચાનૂએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યા બાદ ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સની બન્ને દાવેદાર મનિકા બત્રા અને સુતીર્થા મુખર્જીએ રસપ્રદ મુકાબલા બાદ પ્રથમ રાઉન્ડ પોતાને નામ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મનિકા બત્રાએ પોતાની જીત અગાઉ જ મિક્સ્ડ ડબલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
હારનો સામનો કર્યા બાદ બદલો લીધો
શનિવારે સવારે મનિકા બત્રા અને અચંતા શરત કમલની જોડીને મિક્સ્ડ ડબલ્સમાં ચાઈનીઝ તાઈપેની જોડી સામે હાર મળી હતી. જ્યારબાદ મનિકા બત્રાએ તેનો હિસાબ મહિલા સિંગલ્સની મેચમાં ચૂકતે કર્યો હતો. મનિકાએ ગ્રેટ બ્રિટનની ટિન-ટિન-હો ને 4-0થી હરાવી હતી. મનિકાએ શરૂઆતના 2 સેટ સરળતાથી જીત્યા હતા. જ્યારબાદના 2 સેટમાં પ્રતિસ્પર્ધીએ જબરદસ્ત ટક્કર આપી હતી. જોકે, મનિકાએ સરળતાથી આ 2 સેટ પણ પોતાને નામ કર્યા હતા.
પાછળ પડી ગયા બાદ જબરદસ્ત પલટવાર
મનિકા માટે જીત જેટલી આસાન હતી, બીજી તરફ સુતીર્થાએ જીત માટે 7 ગેમ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 25 વર્ષીય સુતીર્થાએ 4-3થી સ્વીડનની લિંડા બર્ગસ્ટ્રોમ સામે જીત હાંસલ કરી હતી. આ રસાકસીભરી મેચની શરૂઆતમાં લિંડા સતત જીત મેળવી રહી હતી. જોકે, અંતમાં સુતીર્થાએ પ્રથમ રાઉન્ડ પોતાને નામ કર્યો હતો.