નવી દિલ્હીઃ 2020 ટોક્યો ઓલિમ્પિક્સ પહેલાં જ જાપાનની ઓલિમ્પિક કમિટીના વાઇસ-પ્રેસિડેન્ટ કોઝો તશિમાનો કોરોના વાયરસ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એમ એક જાપાની માધ્યમે જણાવ્યું છે.
તશિમા જાપાન ફૂટબોલ એસોસિયેશન (JFA) પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપે છે. તેમને મંગળવારે બપોરે જાણ થઇ હતી કે, તેમને ન્યૂમોનિયા પેદા કરતા વાયરસનો ચેપ લાગેલો છે. JFAના એક નિવેદન મુજબ, તશિમાએ જણાવ્યું હતું કે, તેમને “સહેજ તાવ અને ન્યૂમોનિયાના લક્ષણો” હોવા છતાં ઘણુ “સારું” લાગી રહ્યું છે. તશિમાએ સત્તાવાર કામકાજ માટે ફેબ્રુઆરીના અંતથી લઇને માર્ચની શરૂઆત સુધી બ્રિટન, નેધર્લેન્ડ્સ અને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો.
ટોક્યો 24 જુલાઇથી 9 ઓગસ્ટ સુધી રમાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે સજ્જ થઇ રહ્યું છે. પરંતુ કોરોના વાયરની મહામારીનો રમતગમત ક્ષેત્ર પર વૈશ્વિક સ્તરે બહુ મોટી અસર થઇ છે. મહામારીને કારણે ઘણી સ્પર્ધાઓ મુલતવી રહી છે અથવા તો બંધ બારણે યોજાઇ રહી છે.