મહારાષ્ટ્ર : પુણેમાં 27 વર્ષ બાદ આજે વર્લ્ડ કપની મેચ યોજાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ હાલમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ત્યારે બાંગ્લાદેશ ટીમના વિકેટકીપર મુશ્ફિકુર રહેમાનના પિતા મહેબૂબ હબીબ પણ આ મુકાબલો જોવા માટે ઉપસ્થિત રહ્યા છે. મહેબૂબ હબીબે બાંગ્લાદેશનું સમર્થન કરતા કહ્યું કે, ભારત સામેનો મુકાબલો બાંગ્લાદેશ જીતશે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે આવા શક્તિશાળી પ્રતિસ્પર્ધીને હરાવવો એક અઘરો પડકાર છે.
ETV BHARAT સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં મહેબૂબ હબીબે કહ્યું કે, મને આશા છે કે બાંગ્લાદેશ જીતશે. ભારત સામે જીત મેળવવી સરળ નથી કારણ કે, તે એક મજબૂત ટીમ છે. ભારત વર્લ્ડ ચેમ્પિયન ખિતાબના દાવેદારોમાંની એક ટીમ છે. ભારત એવી ટીમ છે જે શ્રેષ્ઠ ક્રિકેટ રમે છે અને કોઈપણ પરિસ્થિતિમાંથી વિજેતા બને છે. મહેબૂબ હબીબ તેમના પુત્ર મુશ્ફિકુર રહીમ પાસેથી અડધી સદીની અપેક્ષા રાખી રહ્યા છે.
ભારતીય ટીમમાં કોણ મહત્વનું યોગદાન આપશે તે અંગે પોતાના મંતવ્યો શેર કરતાં મહેબૂબ હબીબે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, ઓપનર શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્માનું નામ આપ્યું અને કહ્યું કે, તેઓ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરશે.
મહેબૂબ હબીબે વધુમાં કહ્યું કે, વિરાટ કોહલી ભારત માટે સારું રમશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. ભારત એક શક્તિશાળી પ્રતિસ્પર્ધી છે પરંતુ બાંગ્લાદેશ પણ નબળી ટીમ નથી અને તેઓ ભારતને જોરદાર ટક્કર આપશે.
બાંગ્લાદેશને મેચમાં મિડલ ઓર્ડર પતનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે બાંગ્લાદેશના ઓપનરો દ્વારા આપવામાં આવેલી મજબૂત શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓએ ઝડપથી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં મુશ્ફિકુર રહીમ મહમુદુલ્લાહ સાથે બેટિંગ કરી રહ્યો છે. આ જોડી બાંગ્લાદેશની ઇનિંગ્સને ફરીથી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.