દુબઈ: ICC અંડર 19 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે થયેલા ઝઘડાને લઇને ICCએ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. મેચ દરમિયાન મેદાનમાં ખરાબ વ્યવહાર કરવા માટે ICCએ બાંગ્લાદેશના 3 અને ભારતના 2 ખેલાડીઓને દોષી ઠેરવ્યાં છે. આ 5 ખેલાડીઓને ICC કોડ ઓફ કંડક્ટના લેવલ-3નું ઉલ્લંઘન કરવા માટે સજા ફટકારવામાં આવી છે અને સાથે જ આ ખેલાડીઓના ખાતામાં ડિમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યાં છે.
5 ખેલાડીઓ પર ICC કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.21 અને રવિ બિશ્નોઈ પર આર્ટિકલ 2.5ના ઉલ્લંઘનનો ચાર્જ પણ લગાવવામાં આવ્યો છે. આ અંગે ICC જનરલ મેનેજર જ્યોફ એલાઈડોઈસે નિવેદનમાં કહ્યું કે, જેવી તમે ICC અંડર 19 વર્લ્ડકપ ફાઈનલની આશા રાખતા હોવ, તેવી મેચ હતી, પરંતુ થોડા ખેલાડીઓએ રમતમાં ન જોઈ શકાય તેવી હરકત કરી હતી. ખેલાડીઓ પાસેથી આશા રાખવામાં આવે છે કે, તે પોતાનું અનુશાસન બનાવી રાખે. જીતનારી ટીમને શુભેચ્છા આપો અને પોતાની ટીમ સાથે જીતની ઉજવણી કરો.
ખેલાડીઓને શું સજા મળી?
બાંગ્લાદેશના તૌહિદ પર 10 સસ્પેન્શન પોઈન્ટ એટલે કે, 6 ડિમેરિટ પોઈન્ટ લગાવવામાં આવ્યાં છે. જ્યારે શમીમ પર 8 સસ્પેન્શન પોઈન્ટ અને હસન પર 6 સસ્પેન્શન પોઈન્ટ લગાવવામાં આવ્યાં છે. ભારતના આકાશસિંહ પર 8 સસ્પેન્શન પોઈન્ટ લગાવવામાં આવ્યાં છે. જે 6 ડિમેરિટ પોઈન્ટ બરાબર છે. આ સાથે જ ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈને 5 સસ્પેન્શન પોઈન્ટ ઉપરાંત બાંગ્લાદેશના અવિષેક દાસને આઉટ કર્યા બાદ ખરાબ રીતે ઉજવણી કરવા માટે 2 ડિમેરિટ પોઈન્ડ અલગથી જોડવામાં આવ્યાં છે.
તમામ આરોપ મેદાનના અંપાયર્સ સૈમ એન અને એડ્રિયન હોલ્ડસ્ટોક, ત્રીજા અંપાયર રવિન્દ્ર વિમલાસિરિ અને ચોથા અંપાયર પૈટ્રિક બોંગની જેલેએ લગાવ્યાં છે. સસ્પેન્શન પોઈન્ટ આવનારા આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ લાગુ રહેશે. 1 સસ્પેન્શન પોઈન્ટનો મતલબ છે કે, ખેલાડી એક વનડે, T-20, અંડર-19 ટીમ આંતરરાષ્ટ્રીય મેચમાંથી બહાર રહેશે. આ સાથે જ આ ડિમેરિટ પોઈન્ટ આવનારા 2 વર્ષ સુધી આ ખેલાડીઓના રેકોર્ડમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, અંડર-19 વર્લ્ડકપની ફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને 3 વિકેટે હરાવી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે. આ મેચ પૂર્ણ થયા બાદ બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના બાદ બન્ને ટીમના ખેલાડીઓની ખૂબ ટીકા થઈ હતી.