હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. કેમકે આજથી 37 વર્ષ પહેલા 25 જૂન, 1983ના રોજ કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ટીમે લોર્ડ્સ ખાતેની ફાઇનલમાં ફેવરિટ વેસ્ટ ઇન્ડીઝને 43 રને હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન બની લાખો લોકોમાં ક્રિકેટપ્રેમીઓને ખુશ કર્યા હતાં. આજે 1083ની ઐતિહાસિક જીતને 37 વર્ષ પૂરા થયા છે.
25 જૂન 1983ના રોજની વાત કરીએ તો સૌપ્રથમ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઈવ લોયડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ વિન્ડિઝ સામે 183 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ચાહકો અને ક્રિકેટ નિષ્ણાંતોને લાગતું હતું કે, વિન્ડિઝ સતત ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનશે, પરંતુ કપિલની આગેવાનીવાળી ટીમે ક્રિકેટ એક અનિશ્ચિતતાની રમત છે, એ સાબિત કરતા ભારતીય બોલર મોહિન્દર અમરનાથે માઇકલ હોલ્ડિંગને એલબીડબ્લ્યુ આઉટ કર્યો અને આ સાથે જ ભારતના નામે ઇતિહાસ લખાઈ ગયો હતો.
ભારત તરફથી વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ બેટિંગ કરીને વર્લ્ડકપ ફાઇનલમાં ફક્ત 183 રન બનાવ્યા હતાં. શ્રીકાંતે ભારત તરફથી સૌથી વધુ 38 રન બનાવ્યા હતાં, પરંતુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ લક્ષ્ય હાંસલ કરી શકી ન હતી. લોડ્સમાં વિન્ડિઝની ટીમ 140 રન જ બનાવી શકી હતી અને 43 રનથી હારી ગઈ હતી. મોહિન્દર અમરનાથ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા હતા. અમરનાથે 26 રન બનાવ્યા હતા અને 3 વિકેટ ઝડપી હતી.
ફાઈનલ મેચમાં મદનલાલે વિવિયન રિચાર્ડ્સની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. રિચાર્ડ્સ 1983ના વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં હતાં, પણ આ મેચમાં આઉટ થયા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ દબાણમાં આવી ગઈ હતી. આ પછી ભારતીય વિકેટ લેવાનું ચાલુ રાખ્યું અને કેરેબિયન ટીમને કમબેક કરવાની તક મળી નહીં. જેથી અંતે ભારત પહેલીવાર ચેમ્પિયન બન્યું હતું.