મુંબઇઃ દેશમાં જ્યારે કોરોના રોગચાળાને કારણે તમામ પ્રકારની રમતો પર પ્રતિબંધ છે, ત્યારે બધા ખેલાડીઓ ઘરે બેઠા છે. આ રીતે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે ખેલાડીઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા દ્વારા એક ખાસ સંદેશ આપ્યો છે અને પોતાના માતા-પિતા સાથેની એક તસવીર શેર કરી છે.
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા દ્વારા એક વિશેષ સંદેશ આપ્યો છે. સચિને પોતાના માતા-પિતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં સચિન પોતાના માતાપિતાના ખોળામાં આરામ કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે સચિને એક ભાવનાત્મક સંદેશ આપ્યો છે.
આ સંદેશમાં સચિને લખ્યું કે, "મારા માતા-પિતા બિનશરતી પ્રેમ કરતા હતા, સાથે રહેતા અને સાર-સંભાળ રાખતા હતા. જ્યારે આપણે મોટા થઈ રહ્યાં છીએ અને એક સારા વ્યક્તિ તરીકેનો પાયો નાખ્યો છે, ત્યારે માતા-પિતાનું આગવુ યોગદાન રહ્યું છે.
સચિને વધુમાં લખ્યું કે, આ જ રીતે મારા જીવનમાં પણ મારા માતા-પિતાના સમર્થન અને માર્ગદર્શનથી હું આજે મોટો વ્યક્તિ બની શક્યો. આજે પડકારરૂપ સમયમાં આપણાં માતા-પિતાને આપણી સૌથી વધારે જરૂર છે. આ મુશ્કેલભર્યા સમયમાં માતા-પિતાની સંભાળ લેવી એ આપણી જવાબદારી છે."