લંડનઃ તાજેતરની સ્થિતિમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ઇંગ્લેંડના બેન સ્ટોક્સે કહ્યું કે, જો ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ રમવામાં આવે તો પણ સ્પર્ધાત્મક ભાવના ઓછી નહીં થાય.
તેમણે એક રેડિયો કાર્યક્રમમાં કહ્યું કે, કોવિડ-19 મહામારી પર નિયંત્રણ સુધી જો ક્રિકેટ માત્ર ટેલિવિઝન પ્રેક્ષકો માટે રમાડવામાં આવે તો પણ અમને કાંઈ વાંધો નથી.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સંકેત આપ્યો કે, વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ આગામી શ્રેણી પ્રેક્ષકો વિના રમાડવામાં આવી શકે છે.
આ અંગે સ્ટોક્સને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે દર્શકો વિના રમવામાં કોઈ મુશ્કેલી આવશે. અમે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારે દેશ માટે જીતવું પડે છે. આવી સ્થિતિમાં મેદાનમાં પ્રેક્ષકો રહે છે કે નહીં તે ફરક પડતો નથી.
દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં રમનારા સ્ટોક્સે જો કે સ્વીકાર્યું હતું કે, દર્શકો વગર રમવાની ટેવ પાડવામાં થોડો સમય લાગશે.
ઇંગ્લેન્ડને વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા સ્ટોક્સે કહ્યું કે, આ એક સંપૂર્ણપણે અલગ અનુભવ હશે. કારણ કે, જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમીશું, ત્યારે આપણો ઉત્સાહ વધારવા માટે કોઈ નહીં હોય.