- કોર્ટે જામીન અરજી માન્ય રાખી
- ભારતીના વકીલ અયાઝ ખાને જામીન અરજી દાખલ કરી હતી
- કોમેડી ક્વિન ભારતી અને તેના પતિની ગાંજો રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી
મહારાષ્ટ્ર : કોર્ટે હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની જામીન અરજી માન્ય રાખી છે. ભારતીના ઘરમાંથી ગાંજો મળી આવતા બે દિવસ પહેલા જ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા રવિવારે કોર્ટે મુંબઇની એક અદાલતે કોમેડિ ક્વિન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.
4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ કરી જામીન અરજી
NCBએ શનિવારે ભારતીની ધરપકડ કરી હતી અને રવિવારે સવારે તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. NCBના ફરિયાદી અતુલ સરપંડેએ રવિવારે જણાવ્યું હતું કે, કોર્ટે બન્નેને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ તરત જ આ યુગલે વકીલ અયાઝ ખાન મારફતે જામીન અરજીઓ કરી હતી.
86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો
તપાસ એજન્સીના એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે, NCBએ શનિવારે ફિલ્મ જગતના લોકો દ્વારા ડ્રગ્સના ઉપયોગની તપાસના સંદર્ભમાં ભારતીના ઘર અને ઓફિસ પર તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન તેના ઘરમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
ગાંજાનું સેવન કરતા હોવાનો સ્વીકાર કર્યો
NCBની એક પ્રકાશનમાં અગાઉ કહેવામાં આવ્યું હતું કે, ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ ગાંજાનું સેવન કરતા હોવાનો સ્વીકાર કર્યો છે.
ભારતીના ઘરેથી મળેલો જથ્થો કાયદાની દ્રષ્ટીએ ઓછા પ્રમાણમાં
બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીના ઘરેથી મળેલો જથ્થો કાયદાની દ્રષ્ટીએ ઓછા પ્રમાણમાં છે. એક હજાર ગ્રામ સુધીના ગાંજાને ઓછી માત્રામાં માનવામાં આવે છે અને આ માટે છ મહિના સુધીની જેલની સજા અથવા 10,000 રૂપિયા દંડ અથવા બન્ને થઇ શકે છે. જો વ્યવસાયિક જથ્થો(20 કિલો અથવા તેથી વધુ) હોય તો જેલ 20 વર્ષ સુધીની થઇ શકે છે. આ બન્ને વચ્ચેની માત્રામાં ગાંજો ઝડપાય તો તે માટે 10 વર્ષ જેલની સજા થઈ શકે છે.
નશીલા પદાર્થોની હેરાફેરી કરતા વ્યક્તિની પૂછપરછ દરમિયાન ભારતીસિંહનું નામ સામે આવ્યું
અધિકારીએ જણાવ્યું કે, નશીલા પદાર્થોની હેરાફેરી કરતા વ્યક્તિની પૂછપરછ દરમિયાન ભારતીસિંહનું નામ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતી સિંહ ટીવી પર ઘણા કોમેડી અને રિયાલિટી શોમાં જોવા મળે છે. જૂન મહિનામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ NCB બોલીવુડમાં કથિત ડ્રગના દુરૂપયોગની તપાસ કરી રહી છે.