હૈદરાબાદ: બોલિવૂડ અને ટોલીવૂડમાં પોતાના અભિનયથી જાણીતા બનેલા અભિનેતા રાણા દગ્ગુબાતીએ તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે શનિવારે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. લગ્ન પહેલા મહેંદી સમારોહના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા.

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજે નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં 21 મેના રોજ સગાઈ કરી હતી. 8 ઓગસ્ટના રોજ રાણા અને મિહિકાના લગ્નનું આયોજન હૈદરાબાદના રામાનાઇડુ સ્ટૂડિયોમાં કરવામાં આવ્યું હતું. લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા. તેમના લગ્ન તેલુગુ અને મારવાડી પરંપરા અનુસાર થયા હતા.

રાણા-મિહિકાના લગ્નમાં કેટલીક સાવચેતી રાખવામાં આવી હતી. કોરોના વાઇરસને લઇને લગ્નમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યુબિલી હિલ્સમાં મિહિકા બજાજના ઘરે હળદર અને મહેંદી સમારોહ સાથે લગ્નની વિધિની શરૂઆત થઇ હતી. તેમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર હતા.

રાણા દગ્ગુબાતીએ તેલુગુ અને તમિલ સાથે બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2011માં રાણાએ ફિલ્મ 'દમ મારો દમ' સાથે હિન્દી ફિલ્મોમાં શરૂઆત કરી હતી. તે બાદ તે 'હાઉસફુલ 4', 'ધ ગાઝી એટેક' અને 'બેબી' ફિલ્મમાં દેખાયો હતો.
