- મુંબઈ અને પુણેમાં 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
- આવકવેરા વિભાગના કરચોરીના આરોપો સાથે ઘર અને ઑફિસમાં દરોડા
- દરોડા સમયે દસ્તાવેજો અને કમ્પ્યુટર્સ વગેરે સાધનો કબજે કરવામાં આવ્યા
મુંબઇ: આવકવેરા વિભાગે બુધવારે બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ તેમજ તેમના સાથીઓના ઘર અને ઑફિસ પર દરોડા પાડ્યા હતા. કરચોરીમાં વધુ અનેક મોટી હસ્તીઓ સામેલ થવાની સંભાવના છે. જો કે, હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરોડાઓ ફેન્ટમ ફિલ્મ્સ સામે કરચોરીની તપાસનો એક ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે, મુંબઈ અને પુણેમાં 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રિલાયન્સ એન્ટરટેનમેન્ટ ગ્રૂપના સીઈઓ શુભાશીષ સરકાર અને સેલિબ્રિટી અને ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની KWNનાં કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
અધિકારીઓ દ્વારા પૂછપરછ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિવિધ સ્થળોમાંથી દસ્તાવેજો અને કમ્પ્યુટર્સ વગેરે સાધનો કબજે કરવામાં આવ્યા છે. પન્નુ અને કશ્યપ બંને અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે જાણીતા છે. હાલ બંને પુણેમાં શૂટિંગ કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે, દરોડા દરમિયાન પ્રાથમિક તપાસના ભાગ રૂપે આવકવેરા અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘરે ઇન્કમટેક્સની રેડ
ફેન્ટમ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસના કર્મચારીઓ શામેલ
આ સિવાય અન્ય લોકો વિરુદ્ધ પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં, ફેન્ટમ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસના કેટલાક કર્મચારીઓ શામેલ છે. તેમાં તેના તત્કાલિન પ્રમોટર કશ્યપ, ડિરેક્ટર-નિર્માતા વિક્રમાદિત્ય મોટવાને, નિર્માતા વિકાસ બહલ અને નિર્માતા-વિતરક મધુ મન્ટેનાનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ વચ્ચેના કેટલાક વ્યવહાર કરવેરા વિભાગની નજરમાં હતા અને કરચોરીના આરોપોની તપાસ આગળ વધારી પુરાવા એકત્રિત કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.