મુંબઇ : તેલુગુ, તમિલ, કન્નડ, અને પંજાબી, અને હિન્દી ફિલ્મો દ્વારા પોતાનું પોતાનું સ્થાન બનાવનાર અભિનેતા સોનુ સૂદ આજે પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મોમાં અભિનેતાની તેના નેગેટીવ પાત્ર માટે ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીમાં સોનુએ પ્રવાસી શ્રમિકો માટે વિલન નહી, પરંતુ હીરોની ભૂમિકા નિભાવી છે.
આ દિવસોમાં લોકોના દિલમાં રાઝ કરનાર સોનુ સૂદના પરિવારને એક્ટિંગથી કશું લેવા દેવા નહોતું. આ ઇન્ડસ્ટ્રીનાં તેણે પોતાની મહેનત અને લગનથી પોતાની ખાસ ઓળખ બનાવી છે.
સોનુ માટે તમિલ સિનેમા હંમેશાથી ખાસ રહ્યું છે. કારણ કે, તેણે તમિલ ફિલ્મ 'કાલજઘર'થી ફિલમ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તેણે નેગેટીવ પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ 'શહીદ એ આજમ' થી સોનુ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. આ ફિલ્મમાં અભિનેતાએ ભગત સિંહનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ દેખાડી શકી નહી પણ સોનુની એક્ટિંગના બહુ વખાણ કરવામાં આવ્યા હતા.
બાદમાં આશુતોષ ગોવારિકરની 2008માં ફિલ્મ 'જોધા અકબર' આવી. જેમાં તેણે જોઘાના ભાઇ સુજામલની ભૂમિકા નિભાવી હતી. આ પાત્ર માટે સોનુ ફિલ્મફેયર સપોર્ટિંગ અભિનેતા માટે નોમિનેટ થયો હતો. તેણે ફિલ્મ દબંગથી પોતાની લોકપ્રિયતા મેળવી હતી. દબંગમાં છેદી સિંહના પાાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પાત્ર માટે સોનુને બેસ્ટ અભિનેતાનો અપ્સરા એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
સોનુએ અનીસ બજ્મીની ફિલ્મ 'સિંહ ઇઝ કિંગ' માં લખન સિંહની ભૂમિકા કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. તેણે તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મ 'અરુંધતિ' માં ખૂબ મોટી છાપ ઉભી કરી.
આપને જણાવી દઈએ કે, તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં નંદી એવોર્ડ ફિલ્મફેર એવોર્ડ કરતા વધારે માનવામાં આવે છે. સોનુ પ્રથમ અભિનેતા છે, જેમણે બોલીવૂડ હોવા છતાં નંદી એવોર્ડ જીત્યો છે.
2009માં રિલીઝ થયેલી એક દુબઈ બેસ્ડ ઇંગ્લિશ ફિલ્મ 'સિટી ઓફ લાઈફ'માં પણ અભિનેતાએ ખૂબ જ સારું કામ કર્યું હતું. ત્યારબાદ 2014 ની હોલીવૂડની ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ હર્ક્યુલિસ' ની હિન્દી ડબિંગમાં સોનુએ હર્ક્યુલિસના પાત્ર માટે પોતાનો અવાજ આપ્યો હતો.
સોનુ લોકોને મનોરંજન કરવા ઉપરાંત મદદ કરવામાં પણ મોખરે છે. તેનો સૌથી મોટો પુરાવો લોકડાઉનમાં જોવા મળ્યો હતો જે હજી ચાલુ છે. તેના પ્રયત્નોથી તે હજારો શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા છે.
ટ્વિટર પર લોકોએ સોનુની તમામ મદદ માંગી અને અભિનેતા તેના માટે આગળ આવ્યા. વધુને વધુ લોકોને મદદ કરવા સોનુએ ટ્વિટર પર એક હેલ્પલાઈન નંબર પણ શેર કર્યો છે. જેથી લોકો તેનો સંપર્ક સરળતાથી કરી શકે. દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ ફસાયેલા ઘણા લોકોને તેણે મદદ કરી છે. હાલમાં પણ સોનુએ એક ગરીબ પરીવારને ટ્રેકટર આપીને મદદ કરી હતી.
સોનુનું ટ્વિટર હેન્ડલ જોઇને સમજી શકાય છે કે, તે એક સેલિબ્રિટી તરીકે નહી, પરંતુ એક સામાન્ય માણસ બનીને દુ:ખના સમયમાં લોકોની મદદ કરી રહ્યો છે. આજે સોનુ એકમાત્ર અભિનેતા નથી, પરંતુ કોઇનો ભાઇ અને કોઇનો દીકરો છે, કોરોના કાળમાં તેણે માણસાઇની છાપ ઉભી કરી છે. જે ખરેખર વખાણવા લાયક છે.