મુંબઈઃ ફિલ્મ kGF બાદ તેના બીજા ભાગની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે અને જ્યારથી સંજય દત્તના ચાહકોને જાણ થઈ છે કે, સંજય દત્ત આ ફિલ્મમાં વિલનની ભૂમિકા નિભાવવાના છે. ત્યારથી સૌ તેના લૂકને જોવા માટે ઉત્સુક હતા. એવામાં આજે સંજય દત્તના જન્મ દિવસ પર તેના ફર્સ્ટ લૂકને રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં તે અધીરાના પાત્રમાં ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે.
kGFના નિર્દેશક પ્રશાંત નીલે પોતાના ટ્વીટર હેન્ડલ પર સંજય દત્તનો ફર્સ્ટ લૂક રિલીઝ કરતાં લખ્યું હતું કે, "ADHEERA" વાઈકિંગ્સ કે ક્રૂર તરીકો સે પ્રેરિત હેપ્પી બર્થ ડે @duttsanjay baba, # KGFCHAPTER 2, આ ફિલ્મનો ભાગ બનવા માટે આભાર. #AdheeraFirstLook.''
સંજયના લૂકની વાત કરીએ તો, સંજય દત્ત આ કવચ પહેરેલું છે અને માથામાં ટેટૂની સાથે તે ખૂબ જ ખતરનાક જોવા મળી રહ્યો છે. એમ કહી શકાય કે તેનો આ લૂક અગ્નિપથ ફિલ્મમાં ભજવેલા તેના પાત્ર કાંચ ચીના કરતાં પણ વધારે ખતરનાક છે. તેના લુકનો ફોટો શેર કરતાં સંજય દત્તે કેપ્શનમાં લખ્યું છે કે, "આ ફિલ્મમાં કામ કરવું એ ખૂબ જ ગર્વની વાત છે, તે સારી ભેટ, હું મારા જન્મદિવસ પર વધુ શું માગી શકું છું. ચાહકોના પ્રેમ માટે આભાર."
ઉલ્લેખનીય છે કે, અભિનેતા સંજય દત્ત આજે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એવામાં ફેન્સ માટે આના કરતાં વધારે સારી બીજી કોઈ ભેટ શું હોઈ શકે.
આ ફિલ્મ 'kGF'ના બીજા ભાગમાં પણ મુખ્ય પાત્રમાં સુપરસ્ટાર યશ હશે. આ સિવાય રવીના ટંડન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.