મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું છે, જેમાં અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અનેક ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. બિહાર સરકારે કહ્યું છે કે, રિયાએ સુશાંતની સંપત્તિ તથા પૈસા પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં સુશાંતને દવાનો ઓવરડોઝ આપીને તેની માનસિક બીમાર સાબિત કરવા માગતી હતી.
બિહાર સરકારે સુપ્રીમ કોર્ટને સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં પટણામાં નોંધાયેલી ફરિયાદ સ્થાંતરળ કરવાની અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી રદ કરવા માગ કરી છે. સોગંદનામામાં જણાવાયું છે કે, રિયા અને તેના પરિવારનો ઉદ્દેશ સુશાંતના પૈસા પડાવી લેવાનો હતો.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકાર તરફથી વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરેલી એફીડેવિટમાં કહ્યું છે કે, અભિનેતાને કોઈ માનસિક બીમારી નહોતી. રિયા ચક્રવર્તીએ સુશાંતની બીમારીની એક ખોટી અફવા ઉભી કરી હતી. તેને દવાઓનો ઓવરડોઝ આપવામાં આવતો હતો. રિયા સુશાંતને તેના ઘરે લઇ ગઇ હતી અને તેને દવાની માત્રાનો ઓવરડોઝ આપવાનો શરૂ કર્યો હતો. એટલું જ નહીં, રિયા ચક્રવર્તી તથા તેના પરિવારના સભ્યો સુશાંતના સંપર્કમાં આવીને તેના પૈસા પડાવી લેવા માગતા હતા.
સોગંદનામાં બિહાર પોલીસે એમ પણ કહ્યું છે કે, મુંબઈ પોલીસના અસહયોગ છતાં પણ તેમને તપાસમાં ઘણાં જ મહત્વનાં પૂરાવા મળ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા પોતાના જવાબમાં પોલીસે જણાવ્યું કે, દેશના ઘણા સ્થાનો પર તપાસ કરવાની જરૂર છે. રાજપૂતની રહસ્યમય આત્મહત્યા મામલે CBI તપાસ કરશે તો ઘણા અહમ ખુલાસા સામે આવશે.
બિહાર પોલીસે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે સુશાંતના પિતાએ આખા મામલાની ફરિયાદ કરી હતી. આમાં તેણે પુત્રની કમાણીની રકમ ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં પોલીસની જવાબદારી હતી કે આ મામલાની નોંધ લે અને ફરિયાદ નોંધે.
બિહાર પોલીસે કહ્યું કે અમારી ટીમ કેસની વિગત જાણવા માટે મુંબઈ પહોંચી, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારનો સહયોગ મળ્યો નહીં. અમને જાણવા મળ્યું છે કે આ કેસના વાયર મુંબઇ ઉપરાંત દેશના અન્ય શહેરો સાથે જોડાયેલા છે. તેથી, કેન્દ્ર સરકારને CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી.
રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે, બિહારમાં તેના પર જે કેસ કરવામાં આવ્યો છે તે મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ અંગે સુપ્રીમમાં પાંચ ઓગસ્ટે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસની અંદર બિહાર સરકારને જવાબ આપવાનો આદેશ આપ્યો હતો.