બૉલીવૂડ પાવરહાઉસ જૉન અબ્રાહમ ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ 'સત્યમેવ જયતે-2' દ્વારા પોતાના ચાહકોનું ફરી એકવાર દિલ જીતશે. આ ફિલ્મમાં દિવ્યા ખોંસલા કુમાર મુખ્ય ભૂમિકામાં હશે. એક્શન ડ્રામા ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, મોનિશા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી પણ ફિલ્મમાં જોવા મળશે.
વર્ષ 2018માં 15 ઑગસ્ટના રોજ રિલીઝ થયેલી જૉન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે'ની સફળતા બાદ નિર્માતાઓએ તેની બીજી સિરીઝ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ફિલ્મના બીજા ભાગ માટે ચાહકોમાં ઉત્સાહ વધી ગયો હતો. હવે આ ફિલ્મ માટે નિર્માતાઓએ મોટી જાહેરાત કરતા ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી દીધી છે. આગામી વર્ષની 2 ઑક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે. એટલું જ નહીં પરંતુ ફિલ્મના મુખ્ય પાત્રો આ વખતે ઓન સ્ક્રીન રોમાન્સ કરતાં જોવા મળશે.
અભિનેત્રી દિવ્યા ખોંસલા કુમારે વર્ષ 2004માં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ તે ગણીગાંઠી ફિલ્મોમાં જ જોવા મળી હતી. અભિનેત્રીએ યારિયા અને સનમ રે જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યુ હતુ. આ બંને ફિલ્મોના ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.