મુંબઇ: ફોર્બ્સ મેગેઝિનની ટોપ 10 હાઈએસ્ટ પેઇડ અભિનેતાઓની વર્ષ 2020ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં એકમાત્ર બોલિવૂડ અભિનેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે અભિનેતા છે અક્ષયકુમાર. 48.5 મિલિયન ડોલરની કમાણી સાથે તે આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે.
આ લિસ્ટમાં સામેલ મોટાભાગના અભિનેતાઓની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ દ્વારા થઇ છે. જેમાં અક્ષય પણ પાછળ નથી. અક્ષય કુમાર એક વર્ષમાં અનેક ફિલ્મો કરે છે તે સર્વવિદિત છે. આ વર્ષે પણ તેમની અનેક ફિલ્મો લાઇમ લાઇટમાં છે.
લિસ્ટના ટોપ 5 અભિનેતાઓમાં પહેલું નામ છે ડવાઈન જ્હોનસન (ધ રોક) નું 87.5 મિલિયન ડોલરની કમાણી સાથે, દ્વિતીય છે રયાન રેનોલ્ડ્સ 71.5 મિલિયન ડોલરની કમાણી સાથે, 58 મિલિયન ડોલરની કમાણી સાથે તૃતીય અભિનેતા છે માર્ક વ્હલબર્ગ, 55 મિલિયન ડોલરની કમાણી સાથે બેન ઍફલેક ચોથા સ્થાન પર છે તેમજ 54 મિલિયન ડોલરની કમાણી સાથે પાંચમા સ્થાને છે ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ ફેમ અભિનેતા વિન ડિઝલ.
અક્ષયકુમાર આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે ઉપરાંત સાતમા સ્થાને 45.5 મિલિયન ડોલરની કમાણી સાથે લીન-મેન્યુઅલ મિરાન્ડા, આઠમા સ્થાને વિલ સ્મિથ 44.5 મિલિયન ડોલરની કમાણી સાથે જ્યારે એડમ સેંડલર નવમા સ્થાને 41 મિલિયન ડોલરની કમાણી સાથે, તો આ લિસ્ટમાં છેલ્લું નામ છે અભિનેતા જેકી ચેનનું, 40 મિલિયન ડોલરની કમાણી સાથે.