વાઇરસ હજી ગયો નથી, માસ્ક પહેરી રાખજો અને બે હાથનું છેટું રાખજો
સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા રસીની સામાજિક ભેદભાવ સાથે વહેંચણી થઈ રહી છે તેની ટીકા કરી રહ્યા હતા ત્યારે આરોગ્યના નિષ્ણાતો પણ ચેતવણી આપી રહ્યા છે કે જુદા જુદા દેશોમાં SARS Cov-2 કોરોના વાઇરસનું મ્યુટેશન થઈ રહ્યું છે અને વસતિમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના કારણે તેને કાબૂમાં રાખવા માટે વધારે ઝડપથી રસીનું વિતરણ થવું જરૂરી છે. વાઇરસના આરએનએનું જિનેટિક મ્યુટેશન સામાન્ય બાબત છે, પણ તેના દ્વારા વાઇરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે કે કેમ તે સમજવા માટે વધારે અભ્યાસોની જરૂર છે.
અત્યાર સુધીમાં SARS Cov-2 કોરોના વાઇરસના નવા મ્યુટેશન થયા છે તે બહુ અલગ નથી. યુકેમાં ફેલાયેલો વાઇરસ, દક્ષિણ આફ્રિકામાં ફેલાયો વાઇરસ કે બ્રાઝીલ અને કેલિફોર્નિયાનો વાઇરસ લગભગ સમાન જિન મ્યુટેશન ધરાવે છે. જોકે આ નવી જાત વધારે ચેપી બની રહી છે. આ નવા મ્યુટેશનને કારણે વાઇરસના સ્પાઇક પ્રોટીનમાં વધારો થઈ રહ્યો છે. સ્પાઇક પ્રોટીનને કારણે વાઇરસ બહુ ઝડપથી મનુષ્યના કોષ સાથે જોડાઈ જાય છે. નાક, ફેફસા, અને શરીરના અન્ય અંગોમાં તે ઝડપથી ફેલાવા લાગે છે. SARS COV-2ના નિષ્ણાત અને એમડી રોબર્ટ બોલિંગરે પોતાના એક અભ્યાસ લેખમાં આ વાત જણાવી છે. તેમના જણાવ્યા અનુસાર આ મ્યુટેશનને કારણે વાઇરસ વધારે ચોંટી જાય તેવો એટલે કે વધારે ચેપી બને છે. ચીનમાં જોવા મળતા યુકેમાં પેદા થયેલો વાઇરસ બહુ ઝડપથી ચેપ લગાવે છે.
તો શું આપણે પણ દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી નવા ચેપના આંકડાં વધવા લાગ્યા છે ત્યારે ચિંતા કરવાન જેવું છે ખરું? ભારતમાં યુકે પ્રકારના વાઇરસના ઘણા કેસ જોવા મળ્યા છે. દક્ષિણ આફ્રિકાની જાતના વાઇરસના પણ ચાર કેસ મળ્યા છે. એક કેસ બ્રાઝીલ જાતના વાઇરસનો પણ મળ્યો છે.
તબીબી નિષ્ણાતો જણાવી રહ્યા છે કે બહુ ચિંતા કરવા જેવી નથી, પણ તેઓ કોરોના ચેપનો ફેલાવો ના થાય તે માટે સાવધાની માટે ટકોર કરી રહ્યા છે. અત્યારે સૌથી અગત્યની બાબત છે ચેપને ફેલાતો રોકવા માટે કાળજી લેવી તે. માસ્ક પહેરી રાખવો, એક બીજાથી બે હાથનું છેટું રાખવું અને વારેવારે હાથને સ્વચ્છ કરવા. આટલી કાળજીથી ચેપને કાબૂમાં રાખી શકાય છે તે જોવા મળ્યું છે. એટલું જ નહિ, જેમને રસી મળી ગઈ છે તે લોકોએ પણ આ બધી કાળજી રાખવી જરૂરી છે.
SARS COV-2ના વધુ એક નિષ્ણાત અને જ્હોન હૉપકિન્સ યુનિવર્સિટીના એમડી સ્ટુઅર્ટ રેએ લખ્યું છે કે, “લેબોરેટરીમાં થયેલા અભ્યાસમાંથી એવા પુરાવા મળે છે કે હાલની વૅક્સિનને કારણે જે પ્રતિકારકશક્તિ ઉત્પન્ન થાય છે તે કેટલાક નવા સ્ટ્રેઇન સામે અસરકારક સાબિત થઈ શકે તેમ નથી”.
જોકે તેઓ સ્પષ્ટતા કરે છે કે એક વાઇરસને અસર ના કરે તેનો અર્થ એ નથી કે બીજા માટે રસી અસરકારક ના હોય, કેમ કે પ્રતિકારક વૅક્સિનમાં અનેક બાબતો સંકળાયેલી હોય છે.
આ પણ વાંચો: કોવિડ સિવાયની બિમારીઓ માટે સર્જાયો સેવાનો અભાવ
શું ભારત માટે આગળનો માર્ગ મુશ્કેલ છે?
ભારતના કેટલાક રાજ્યોમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કેસોની સંખ્યા વધી છે. કેરલમાં હજીય રોજના 5000 કેસ આવી રહ્યા છે, જ્યારે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ રોજ નોંધાતા કેસોની સંખ્યા ફરી વધવા લાગી છે. આ રાજ્યોમાં રોજેરોજ થતા ટેસ્ટ ઓછા થયા છે, તો પણ કેસ વધી રહ્યા છે. બીજી બાજુ કેરળ સરકાર રોજિંદા ટેસ્ટની સંખ્યા વધારી રહી છે, જોકે તેમાં પોઝિટિવીટીનો દર વધી રહ્યો નથી. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં રોજના એક લાખ ટેસ્ટ હતા તે અડધા જેટલા ઘટીને 60 હજારની આસપાસ થઈ રહ્યા છે, પણ તેમાં પોઝિટિવીટીનો દર વધી રહ્યો છે.
એવું જોવા મળ્યું છે કે વૅક્સિન આપવાનું શરૂ થયું અને છૂટછાટ આપવાની શરૂઆત થઈ તે પછી લોકોમાં એક પ્રકારની બેદરકારી આવી છે. લોકોને લાગે છે કે ચેપ ગંભીર નથી અને તેથી ચેપ સામે કાળજી લેતા નથી. તેના કારણે લોકો સામે ચાલીને ટેસ્ટ કરાવવાનું પણ ટાળી રહ્યા છે. તેના કારણે પણ ચેપ ફેલાઇ રહ્યો છે. તેના કારણે ફરી એક વાર લૉકડાઉન લાવવો પડે તે માટે પણ અધિકારીઓ વિચારતા થઈ ગયા છે. જોકે આરોગ્યના જાણકારો કહી રહ્યા છે કે માસ્ક પહેરવો, અંતર જાળવવું અને હાથ ધોવાની વાતને પાળવામાં આવે તો ચેપને કાબૂમાં રાખી શકાય છે. વૅક્સિનની અસરકારકતા શરૂ થાય તેમાં સમય લાગતો હોય છે. તેથી રસી લેનારા લોકોએ પણ કાળજી લેવાનું છોડવું જોઈએ નહિ.
કયા પ્રકારનો વાઇરસ છે તેને ગણકાર્યા વિના, ચેપ વધારે ફેલાય તો વધારે સંખ્યામાં મૃત્યુ થવાના. જાણકારો કહે છે કે વાઇરસ વધારે ઘાતક સ્વરૂપ ધારણ કરે છે કે કેમ તે બાબતમાં લોકોએ પડવાની જરૂર નથી. રોબર્ટ બોલિંગરે જણાવ્યું છે કે નવી જાતના વાઇરસ વધારે ઘાતક હોય કે વધારે ગંભીર બીમારી કરનારા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું નથી. તેમણે એવું પણ નોંધ્યું છે મ્યુટેશનથી વાઇરસ વધારે ઘાતક બને તો તેની ફેલાવાની ક્ષમતા ઓછી પણ થાય તેવું બની શકે.
નવા નવા વેરિએન્ટ મળી જ રહ્યા છે ત્યારે ચેપ સામે સાવધાની રાખવી એ જ ઉત્તમ છે. લોકોએ લક્ષણોની બાબતમાં પણ સાવચેત રહેવું જોઈએ. જાણકારો કહે છે કે ચીની પ્રકારના વાઇરસમાં ગંધની અને સ્વાદની ક્ષમતા જતી રહેતી હતી, તાવ અને ખાંસી આવતા હતા તેવું નવા વેરિએન્ટમાં ના પણ જોવા મળે. તેના બદલે સ્નાયુઓમાં દુખાવો, સખત થાક લાગવો વગેરે જેવા નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આવા કોઈ લક્ષણો દેખાતા હોય તો લોકોએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. શંકા જતી હોય તો આઇસોલેશનમાં રહેવું જોઈએ. ભારતે સાવધાની રાખવી જરૂરી છે અને બચાવના પગલાં લેવાનું ચાલુ રાખવું જોઈએ.
-કે. પ્રવીણ કુમાર
આ પણ વાંચો: રાષ્ટ્રને આત્મનિર્ભર કરવા માટે ખેડૂતોને ઉગારવા જરૂરી છે