જળસંકટ માત્ર ભારતમાં જ નહિ, અન્ય દેશોમાં પણ દેખાવા લાગ્યું છે
ઉત્તરની નદીઓને દક્ષિણની નદીઓ સાથે જોડવાનો વિચાર અગાઉ કરતાંય અત્યારે વધારે સાર્થક જણાઈ રહ્યો છે. દર ઉનાળે દેશમાં પાણીની અછત વધુ ને વધુ ઊભી થઈ રહી છે. આજે દેશની ત્રીજા ભાગની વસતિને દુકાળ જેવી સ્થિતિનો વારંવાર સામનો કરવો પડે છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તાલિમનાડુ, કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં પાણીની સ્થિતિ વિકટ થઈ જાય છે.
એક કાચા અંદાજ અનુસાર, દેશના 10 રાજ્યોમાં 254 જિલ્લાઓએ દુકાળ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. ભૂગર્ભ જળ ઊંડા ઊતરી રહ્યા છે તેની ચિંતા વિજ્ઞાનીઓ ઘણા સમયથી વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત જળાશયો અને પાણીના બીજા સ્રોતો સૂકાવા લાગ્યા છે. સિંચાઈ માટે અનહદ માત્રામાં જળસ્રોતોનું દહન ભૂગર્ભને ખાલી કરી રહ્યું છે. તેની સાથે પાણીના તળ ફરી ઊંચા આવે તે માટેનું યોગ્ય આયોજન થયું નથી. ભૂગર્ભમાં જ પાણી ખાલી થયું હોય એટલે પહેલાં પાણી નીચે ઉતરે અને તેના કારણે નદીઓમાં પણ પાણીનું વહન ઘટી રહ્યું છે.
એક અભ્યાસ અનુસાર, 2O50ની સાલ સુધીમાં 79 જેટલા જળસ્ત્રોતોનું એટલું બધું દોહન થયું હશે કે તે પછી સ્થિતિને જાળવવી અશક્ય બની જશે. આ સ્થિતિને કારણે સમગ્ર રીતે જળ આધારિત પ્રાણીસૃષ્ટિની વ્યવસ્થા પણ ખોરવાઈ જશે.
કેન્દ્રના જળ સંસાધન મંત્રાલયના રેકર્ડ અનુસાર, ગત 13 એપ્રિલના રોજ પૂરા થતા અઠવાડિયા સુધીમાં સમગ્ર દેશમાં 35.839 અબજ ક્યુબિક મીટર્સ જળજથ્થો ઉપલબ્ધ હતો. કુલ ક્ષમતા 157.799 અબજ ક્યુબિક મીટર્સ જળ સંગ્રહની છે. તેમાંથી આટલો જ જથ્થો ઉનાળાની શરૂઆતમાં બચ્યો હતો. અગાઉના વર્ષ કરતાં પાણીની ઉપલબ્ધિ આ રીતે ઘટી હતી. અન્ય અહેવાલમાં જણાવાયું હતું કે, દેશના 40 ટકા જેટલા કૂવાઓમાં પણ પાણી નહોતું અથવા તળિયું દેખાઈ ગયું હતું.
આ સંદર્ભમાં એ યાદ કરવું જરૂરી છે કે, હિમાલયના ગ્લેસિયરો પીગળે અને ઉનાળામાં નદીઓ બે કાંઠે વહેતી થાય તેનું પાણી નદીઓને એક બીજા સાથે જોડીને દક્ષિણ ભારત તરફ વાળવાની યોજના બહુ સમયથી વિચારાયેલી છે. ખાસ કરીને ઉનાળામાં કેટલાક રાજ્યોમાં પાણીની અછત ઊભી થાય છે તેના માટે આ જ એક ઉપાય છે.
નદીઓને એક બીજા સાથે જોડવાની યોજનાને પૂર નિયંત્રણ, ભૂગર્ભ જળસ્રોતને ફરીથી સજીવ કરવા અને દુકાળગ્રસ્ત વિસ્તારોને પાણી પૂરવું પાડતું તે માટે જરૂરી ગણવામાં આવી રહ્યુ છે. થોડા વર્ષો પહેલાં નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી (NWDA)ના નેજા હેઠળ નદીઓને જોડવાની જંગી યોજના હેઠળ પ્રથમ તબક્કાનું આયોજન વિચારાયું હતું. હિમાલયના તટપ્રદેશની નદીઓને એકબીજા સાથે જોડવા માટેની 14 મોટી યોજનાઓ વિશે વિગતવાર દસ્તાવેજો જળ સંસાધન મંત્રાલયે તૈયાર કરાવ્યા હતા. તેના બીજા અને ત્રીજા તબક્કામાં 53 નદીઓને જોડવાની યોજનાનો સમાવેશ થાય છે. તેની હેઠળ રાજ્યો વચ્ચે નદીઓને જોડવાનો સમાવેશ થાય છે.
NWDAની રચના થઈ ત્યારપછી હિમાલય તથા દક્ષિણ ભારતની નદીઓને જોડવા અંગેના 50થી વધુ ફિઝિબિલ રિપોર્ટ તૈયાર કર્યા છે. આમ છતાં આ દિશામાં ખાસ પ્રગતિ થઈ નથી.
નદીઓના જોડાણથી થનારા સામાજિક - આર્થિક ફાયદાઓ વિશે પણ નિષ્ણાંતોએ જણાવ્યું છે. તેનાથી પૂર નિયંત્રણ થશે અને પાણીનો જથ્થો બીજે પહોંચે ત્યાં સિંચાઈ થઈ શકશે. બીજો એક ફાયદો નદી માર્ગે પરિવહનનો પણ છે.
ઉત્તર ભારતમાં પાણીનો વિપુલ જથ્થો છે. તેને દેશના અન્ય ભાગો તરફ વાળવાનો વિચાર નવો નથી. હકીકતમાં 1970માં કેન્દ્રના સિંચાઈ પ્રધાન કે. એલ. રાવે નદીઓના જોડાણનો વિચાર આપ્યો હતો. 19મી સદીમાં બ્રિટિશ એન્જિનિયર આર્થર કોટને પણ ઉત્તર અને વિંધ્યની નીચે દક્ષિણની નદીઓને જોડવાનો વિચાર કરેલો.
જળસંકટ માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ દેખાવા લાગ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે 2050 સુધીમાં દુનિયાના 54 દેશોમાં પાણીની અછતની ગંભીર સ્થિતિ ઊભી થવાની છે. સમયસર પગલાં નહીં લેવાય તો ભારત સહિતના આ દેશોમાં મોટું જળસંકટ ઊભું થઈ શકે છે.