- 2014 બાદ ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ
- સામસામે બોમ્બિંગ, મિસાઈલ્સ અને રોકેટ્સથી નાગરિકોમાં ભય
- બન્ને દેશોમાં સેંકડો નાગરિકો ઈજાગ્રસ્ત, જાહેર મિલકતોને ભારે નુક્સાન
જેરુસલેમ: ગાઝા તરફથી આવી રહેલા રોકેટ્સ અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા હવાઈ હુમલાએ 2014ના એ દિવસોની યાદ અપવી દીધી છે, જ્યારે આ બન્ને દેશો વચ્ચે 50 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. તાજેતરમાં બન્ને પક્ષો વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ પૂરો થાય તેવા કોઈ અણસાર નથી. ગાઝાના હમાસ શાસકો તેમજ અન્ય ઉગ્રવાદી સમૂહો દ્વારા સેંકડો રોકેટ્સ છોડ્યા હતા. જેનાથી ગીચ આબાદી ધરાવતા તેલ અવીવ વિસ્ફોટોના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.
બુધવારે નાનકડા વિરામ બાદ 1 ડઝનથી વધુ હવાઈ હુમલા
ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં બે બહુમાળી ઇમારતોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાઇલે પ્રથમ ચેતવણી આપતા ફાયરિંગ શરૂ કર્યું હતું. જેથી નાગરિકો મકાન છોડી શકે, પરંતુ બાકીની સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, બુધવારે ટૂંકા વિરામ બાદ ઇઝરાયેલે પોલીસ અને સુરક્ષા મથકો પર નિશાન સાધતા અંદાજે 1 ડઝન હવાઇ હુમલા કર્યા હતા.
ગાઝા સિટી સેન્ટ્રલ પોલીસ હેડક્વૉટર્સ સંપૂર્ણ રીતે નષ્ટ
હમાસ સંચાલિત આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું કે, ગાઝા સિટી સેન્ટ્રલ પોલીસ હેડક્વૉટર્સ ઇઝરાયેલના હવાઈ હુમલામાં નાશ પામ્યું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ઇઝરાયેલી હુમલામાં ગાઝામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આશરે 300 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તે જ સમયે, મંગળવાર અને બુધવારે વહેલી સવારે રોકેટ હુમલામાં 3 મહિલાઓ અને 1 બાળક સહિત 5 ઇઝરાઇલીઓ માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
UN સિક્યુરિટી કાઉન્સિલ બેઠક યોજશે
ઇજિપ્ત અને સંયુક્ત રાષ્ટ્ર આ બન્ને પક્ષો વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પર વિરામ લગાવવાનું કામ કરી રહ્યા છે. આ મુદ્દે બુધવારે UN સિક્યુરિટી કાઉન્સિલની બીજી બેઠક બંધ બારણે આગામી ત્રણ દિવસમાં યોજવાની શક્યતા છે. ગુપ્તતાની શરતે કાઉન્સિલના રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી સંસ્થાએ કોઈ નિવેદન જારી કર્યું નથી. કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સને ચિંતા છે કે, તેનાથી તણાવ વધી શકે છે.