- અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનનો નિર્ણય
- દેશમાં હવેથી અફીણની ખેતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
- અફઘાન અન્ય દેશોમાં મોટા પ્રમાણમાં અફીણ પૂરું પાડે છે
ન્યૂઝ ડેસ્ક : અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન પોતાની સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે, આથી તાલિબાન દેશમાં ઘણા ફેરફારો લાવી રહ્યું છે, આ ઉપરાંત લોકોને તેના વિશે જાણકારી આપવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન એક મહત્વના ફેરફારમાં હવેથી અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનના ઘણા ગામોમાં ખેડૂતોને કહ્યું છે કે, તેઓ હવે અફીણની ખેતી ન કરે, કારણ કે દેશમાં તેના પર પ્રતિબંધ છે. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, કંદહાર અને આસપાસના વિસ્તારમાં સૌથી વધુ અફીણની ખેતી થાય છે, જ્યાં હવે ખેડૂતોને તેને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કાબુલ એરપોર્ટ નજીક ફરી રોકેટ દ્વારા હુમલો
તાલિબાનના શાસનમાં ડ્રગ્સને મંજૂરી નહીં
તાલિબાનના આ હુકમનામાની અસર દેખાવા લાગી છે, અફઘાન બજારમાં અફીણનો દર વધ્યો છે, કારણ કે લોકો જાણે છે કે અફીણનું ભવિષ્ય ચોક્કસ નથી. આ બાબતે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખ કર્યો હતો કે, તાલિબાનના શાસનમાં ડ્રગ્સને મંજૂરી આપવામાં આવશે નહીં.
અફીણનો ભાવ પ્રતિ કિલો 200 ડોલર
તાલિબાનના આ હુકમનામા બાદ અફીણની કિંમત સીધી 70 ડોલર પ્રતિ કિલોથી વધીને 200 ડોલર પ્રતિ કિલો થઈ ગઈ છે. તાલિબાનનો આ નિર્ણય આશ્ચર્યજનક છે, કારણ કે લાંબા સમયથી તે પોતે (અફઘાનિસ્તાન) આ બિઝનેસનો સૌથી મોટો હિસ્સેદાર છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાંથી અફીણની ખેતી પર વસુલી કરવામાં આવતી હતી, જે તાલિબાન માટે આવકનો મુખ્ય સ્ત્રોત હતો.
આ પણ વાંચો: કાબુલ એરપોર્ટ પાસે થયેલો રોકેટ હુમલો આતંકીઓએ નહીં, પરંતુ અમેરિકાએ કર્યો હતો: એજન્સી
તાલિબાનના આ નિર્ણયથી લોકો નાખુશ
તાલિબાનના આ નવા નિર્ણયથી લોકો નાખુશ છે, પરંતુ તેમની સામે કોઈ રસ્તો નથી. અમેરિકાએ લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી ઘટાડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. અફઘાનિસ્તાનથી અન્ય દેશોમાં મોટા પ્રમાણમાં અફીણ પૂરું પાડવામાં આવે છે.