- અફઘાનિસ્તાનની પરિસ્થિતી કાબૂની બહાર
- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યું
- અમેરિકન એમ્બેસીમાં હેલિકોપ્ટર્સ ઉતર્યા
ન્યૂઝ ડેસ્ક: અફઘાનિસ્તાનમાં પૂરઝડપે તાલિબાન સત્તા મેળવી રહ્યું છે. આ વચ્ચે આજે રવિવારે કાબુલને ચોતરફથી ઘેરી લીધા બાદ તાલિબાને સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ માટે તૈયારી દર્શાવી હતી અને તેના માટે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને જવાની તૈયારીઓ શરૂ કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધું હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા કાબુલમાં અમેરિકન એમ્બેસીના કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવા માટે હેલિકોપ્ટર પણ મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકન એમ્બેસીમાં સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી નંખાયા
તાલિબાને જલાલાબાદ પર કબજો સંભાળ્યો તેના થોડા જ સમયમાં કાબુલમાં અમેરિકન એમ્બેસી ખાતે હેલિકોપ્ટર ઉતરતા જોવા મળ્યા હતા. આ સિવાય એમ્બેસીમાંથી ધુમાડો નિકળતો પણ જોવા મળ્યો હતો. જે એમ્બેસીમાં સંવેદનશીલ દસ્તાવેજો સળગાવવાના કારણે નિકળતો હોવાનું અમેરિકન સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું.