હજુ પાકિસ્તાનમાં નિકાસ કરવા માટેના લગભગ રૂ. ૨ હજાર કરોડના ઓર્ડર પેન્ડિંગ છે. જેના કારણે વેપારીઓ, નિકાસકારોના ધંધા ઠપ્પ થઈ ગયા છે. બાકી લેણાંની વસૂલાત માટે જરૂરી પગલાં લેવા માટે કેન્દ્ર સકારને રજુઆત કરવામાં આવશે. ગુજરાતના કેમિકલ, ડાઈ સ્ટફ સહિતના ઉદ્યોગો મંદીમાંથી પસાર થઈ રહ્યા છે અને જો પાકિસ્તાનમાંથી ઉઘરાણીના નાણાં નહીં આવે તો વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને બેંકોના નાણાં પરત ચૂકવવામાં પણ વેપારીઓને ભારે મુશ્કેલી પડે તેવી શક્યતા છે.
આ મામલે રાજકીય દમિયાનગીરી કરીને વેપારીઓના બાકી લેણાંની રીકવરી માટે તાકીદે પગલાં લેવા માટે ધી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસીએશને સરકારને અપીલ કરી છે. ભારતમાંથી અંદાજે રૂપિયા ૩,૬૫૬ કરોડથી વધુ રકમની પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવે છે. જે પૈકી ગુજરાતના વેપારીઓનો ૮૦ ટકાથી વધુ હિસ્સો છે. ભારતમાંથી કરાયેલ નિકાસના માલસામાન વાઘા બોર્ડર પર અટકાવી દેવાયો છે, જેના પર ૧૮ ટકા ડયુટી ભરવી પડશે અને આ માલસામાન પરત લઇ આવવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે. પેમેન્ટ અટકી જવાથી નાના વેપારીઓ વધુ મુશ્કેલીમાં મૂકાયા છે.
ગુજરાતમાંથી કેમિકલ, ડાઈઝ, ડાઈ ઈન્ટરમિડીએટ્સ, બેઝીક કેમિકલ્સ, કોસ્મેટિક્સ, કેસ્ટર ઓઈલ, એગ્રો કેમિકલ્સ, ઓર્ગેનિક અને ઈન- ઓર્ગેનિક કેમિકલ્સ, વગેરેની મોટાપાયે નિકાસ થાય છે. આ ઉપરાંત કોટન, કપાસ, રૂ, ગ્રે ફેબ્રિક્સ, નિકાસ કરાય છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, તુર્કી, વગેરે દેશોમાં પણ કેમિકલ્સની નિકાસ કરાય છે. ભારતમાંથી કેમિકલ્સ અને ઓર્ગેનિકસ કેમિકલ્સની પાકિસ્તાનમાં કરાતી નિકાસ ૨૦૧૪-૧૫માં રૂપિયા ૧,૬૪૪ કરોડની હતી. જે ૨૦૧૮-૧૯માં વધીને રૂ. ૩,૬૫૬.૨૯ કરોડ થઈ છે.