દાવોસઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય શક્તિને ભારત સાથેના તણાવને દૂર કરવામાં મદદરૂપ બનવા અનુરોધ કર્યો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિશ્વ આર્થિક મંચની બેઠકમાં સામેલ થવા આવેલા ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, "નાગરિક સંશોધન કાયદો અને કાશ્મીરના મુદ્દાને લઈ થતાં પ્રદર્શનથી ધ્યાન હટવવા માટે સીમા પર તણાવ વધારવામાં આવી રહ્યો છે."
દાવોસમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં આંતરરાષ્ટ્રીય મીડિયા પરિષદમાં સંબોધન કરતાં ઈમરાન ખાને કહ્યું હતું કે, "પરમાણુ હથિયાર ધરાવતા દેશોને લડાઈ વિશે વિચારવું ન જોઈએ. હું સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાને ચોક્ક્સ પગલા લેવા માટે અનુરોધ કરું છે. " નોંધનીય છે કે, આ પહેલા પણ ઈમરાન ખાને વૈશ્વિક સ્તરે અન્ય દેશોને પાકિસ્તાનની મદદ કરવા માટે જણાવ્યું હતું, પણ ઈમરાનને મદદ મળી નહોતી.
ખાને જણાવ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાનની નિયંત્રણ રેખા પર યુનાઇટેડ નેશન્સ લશ્કરી નિરીક્ષક જૂથ (UNMOGIP)ને મંજૂરી આપવી જોઈએ. ભારત કહેતું રહ્યું છે કે, જાન્યુઆરી 1949માં રચાયેલ UNMOGIP તેની ઉપયોગિતા ગુમાવી ચૂક્યું છે અને તે શિમલા કરાર અને ત્યારબાદના નિયંત્રણ રેખાથી અસંગત બની ગયું છે." આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ટ્રંપ સાથેની મુલાકાત વિશે વાત કરતાં ખાને કહ્યું હતું કે, "ટ્રંપને ઈરાન સાથેના યુદ્ધથી થનાર વિનાશકારી પરીણામ વિશે વાત કરી હતી, ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો, પણ હું તેમનો આશ્યય સમજી ગયો હતો."
આમ, ઈમરાન ખાન વૈશ્વિક સ્તરે પાકિસ્તાનના ઘટતા અસ્તિત્વને ટકાવી રાખવા અને પોતાની અલગ ઓળખ બનાવવા માટેના પ્રયાસ કરતા જોવા મળ્યા હતાં.