ઇસ્લામાબાદ: દેશમાં કોવિડ-19 રોગચાળાનેરોકવા માટે લાદવામાં આવેલી કેટલાક પ્રતિબંધોને સરળ કર્યા પછી પાકિસ્તાન શનિવારથી તબક્કાવાર રીતે ઘરેલુ ફ્લાઇટ્સની કામગીરી શરૂ કરશે.
પાકિસ્તાનમાં કોરોના વાઇરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 800થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. પાકિસ્તાન સરકારે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, અર્થતંત્ર અને કામગીરી પર લોકડાઉનની અસરને કારણે, તેને (લોકડાઉન) તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (પીસીએએ) એ શનિવારથી ઘરેલુ ફ્લાઇટ્સનું ઓપરેશન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કરાંચીના જીન્ના આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી 68, લાહોરના અલ્લામા ઇકબાલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી 32, ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી 32, ક્વેટા આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી આઠ અને પેશાવરના બાચા ખાન આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ચાર ફ્લાઇટ્સ કાર્યરત થશે.