નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરદ્વારાની ધાર્મિક યાત્રા અને તેની માટેથતી નોંધણીને આગામી આદેશો સુધી અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.
ગૃહમંત્રાલયે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસરૂપી ખતરાને ટાળવા માટે સરકારે રવિવાર રાતે 12 વાગ્યે આતંરરાષ્ટ્રીય સીમ દ્વારા પાકિસ્તાનથી આવનારા તમામ યાત્રીઓને અટકાવ્યા હતાં.
આ નિર્ણય કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, "ભારતમાં કોવિડ 19 ફાટી નીકળ્યો છે જેના ફેલાવાને અંકુશમાં લેવા માટે સાવચેતીના પગલા તરીકે, 16 માર્ચ 2020 (રવિવારે) બપોરે 12 વાગ્યાથી કરતારપુર સાહિબની મુલાકાત અને નોંધણીને આગામી આદેશો સુધી અસ્થાયી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. "
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં ડેરા નાનક સાહિબને પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારા જોડતા કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું.
નોંધનીય છે કે, શનિવારે, સરકારે 15 માર્ચના મધ્યરાત્રિથી નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો સાથે મોટાભાગના ભૂમિ માર્ગને પણ બંધ કરી દીધા હતા. જો કે, મુલાકાત માટે કેટલાક માર્ગ ખુલ્લા રહેશે. આ ઉપરાંત સરકારે મુત્સદ્દીગીરી અને રોજગાર જેવી કેટલીક કેટેગરીઓ સિવાય 15 એપ્રિલ સુધી તમામ પ્રકારના વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, 15 માર્ચે સવારે 8:55 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 93 થઈ ગઈ હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે, એરપોર્ટ પર કુલ 1229363 મુસાફરોની તપાસ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારત સરકાર કોરોના વાયરસને અંકુશમાં લેવા તમામ શક્ય પગલાં લઈ રહી છે.