બિજીંગ: ચીને કઝાકિસ્તાનમાં વસતા તેના નાગરિકોને સ્થાનિક ન્યુમોનિયાની ચેતવણી આપી છે કે, તે કોરોના વાઈરસના ચેપથી વધુ જીવલેણ છે. કઝાકિસ્તાનમાં ચીનના દૂતાવાસે વીચેટ પ્લેટફોર્મ પર એક નિવેદન બહાર પાડ્યું હતું કે, અજાણ્યા ન્યુમોનિયાથી આ વર્ષના પ્રથમ છ મહિનામાં કઝાકિસ્તાનમાં 1,772 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે જૂનમાં જ 628 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં ચીની નાગરિકો પણ છે. શુક્રવારે દૂતાવાસના નિવેદનનો ઉલ્લેખ કરતાં સત્તાવાર અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'એ જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગ કરતાં આ રોગથી મૃત્યુનું જોખમ વધારે છે.
દૂતાવાસે કહ્યું કે, "કઝાકિસ્તાનના આરોગ્ય વિભાગ સહિત અનેક સંસ્થાઓ ન્યુમોનિયાના આ વાઈરસનો અભ્યાસ કરી રહી છે." એવો કોઈ ઉલ્લેખ નથી કે આ રોગ કોવિડ -19થી સંબંધિત છે કે નહીં. કેટલાંક ચીની નિષ્ણાતો માને છે કે, ચીનમાં આ ન્યુમોનિયાને ફેલાવવાથી બચાવવા પગલાં લેવાની જરૂર છે. રિપોર્ટમાં કઝાકિસ્તાનના મીડિયામાં નોંધાયેલા સમાચારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે કે ન્યુમોનિયાથી બીમાર થનારા લોકોની સંખ્યા કોવિડ -19થી બીમાર પડેલા લોકોની સંખ્યા કરતાં બે કે ત્રણ ગણી વધુ છે. કઝાકિસ્તાન ચીનના ઉત્તર પશ્ચિમમાં ઝિનજિયાંગ ઉઇગુર ઓટોનોમસ ક્ષેત્રની સરહદની પાસે આવેલું છે. દૂતાવાસ કઝાકિસ્તાનમાં તેના નાગરિકોને વાઈરસના ફેલાવાથી બચાવવા માટે પગલાં લેવા સંવેદનાશીલ છે.