બીજિંગઃ પૂર્વી ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં શનિવારે એક હાઇવે પર ઓઇલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુને ઇજા થઈ હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટથી નજીકના શહેર તાઈઝોઉમાં રહેણાંક મકાનો અને કારખાનાઓને પણ નુકસાન પહોંચ્યું છે.
ચીનના સરકારી અખબારના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં 10 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારી ટીવી ચેનલ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે, ટેન્કરનો કાટમાળ દૂર-દૂર સુધી ફેલાયો હતો. જેના કારણે નજીકના મકાનોને મોટું નુકસાન થયું હતું.
વિસ્ફોટ બાદ નજીકની કેટલીક કાર અને અન્ય વાહનોને પણ આગ લાગી હતી. હાઈવે પર અકસ્માતને કારણે ઘણા રસ્તાઓ બંધ રાખવા પડ્યા હતા. રાજ્યના પ્રસારણકર્તાએ જણાવ્યું છે કે શનિવારની સાંજ સુધીમાં મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. જ્યારે અન્ય 117 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ચીનમાં માર્ગ અકસ્માત સામાન્ય છે. જે ઘણીવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. અધિકારીઓના મતે, 2015માં, દેશભરમાં માર્ગ અકસ્માતમાં 58,000 લોકોનાં મોત નીપજ્યાં હતાં.