ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાઈએ તેની ભત્રીજીના પુસ્તકનું પ્રકાશન રોકવા માટે બીજી કોર્ટમાં અરજી કરી છે. આ અગાઉ ન્યૂયોર્કના ન્યાયાધીશે આ પુસ્તક પર રોક લગાવવાની તેમની અરજી નામંજૂર કરી હતી. આ પુસ્તકમાં ટ્રમ્પ પરિવાર વિશેની અનેક સનસનાટીભરી વાતો છે.
રોબર્ટ ટ્રમ્પના વકીલે જણાવ્યું હતું કે, તેમની અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે લગભગ બે દાયકા પહેલા ટ્રમ્પ પરિવારના કેટલાક સભ્યો સાથે કાનૂની દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં એક શરત એવી પણ હતી કે, તે આ પુસ્તક પ્રકાશિત કરશે નહીં. આ કરાર હેઠળ મેરી ટ્રમ્પને નાણાકીય લાભ આપવામાં આવતો હતો.
ગુરૂવારે ન્યૂયોર્કની એક અદાલતના ન્યાયાધીશ પીટર કેલીએ રોબર્ટ ટ્રમ્પની અરજીને નકારી કાઢતા જણાવ્યું હતું કે, આ બાબતની સુનાવણી અદાલત અધિકારક્ષેત્ર હેઠળ આવતી નથી. જે બાદ રોબર્ટ ટ્રમ્પના વકીલોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટ(ડચેસ કાઉન્ટી, ન્યૂયોર્ક)માં અરજી કરી હતી.
રોબર્ટ ટ્રમ્પના વકીલ ચાર્લ્સ હાર્ડે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેરી ટ્રમ્પને 20 વર્ષથી કરાર હેઠળ આર્થિક લાભ આપવામાં આવી રહ્યો હતો, અને હવે મેરી આ પુસ્તક છાપીને કરારનો ભંગ કરી રહી છે. મેરી ટ્રમ્પ રાષ્ટ્રપતિના મોટા ભાઇ ફ્રેડ ટ્રમ્પ જુનિયરની પુત્રી છે. 1981માં ફ્રેડ ટ્રમ્પ જુનિયરનું અવસાન થયું હતુ. આ રીતે મેરી ટ્રમ્પે તેમના પુસ્તક વિશે એક ઓનલાઇન એકાઉન્ટ બનાવ્યું છે, કેવી રીતે મારા પરિવારે વિશ્વની સૌથી ખતરનાક વ્યક્તિને તૈયાર કરી.
મેરીના કહેવું છે કે, આ પુસ્તક 'ત્રાસ, સંબંધોમાં કડવાશ, દુરૂપયોગ અને ઉપેક્ષા' વિશે વાત કરે છે. મેરી ટ્રમ્પના વકીલ થિયોડોર બોટ્રસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવો કેસ દાખલ કરવો ટ્રમ્પ પરિવાર દ્વારા તેમના પુસ્તકના પ્રકાશનને રોકવાનો બીજો પાયાવિહોળો પ્રયાસ છે.