વોશિંગ્ટન: સાત સગીર સહિત 174 ભારતીય નાગરિકોના એક ગ્રુપે એચ-1 બી વિઝા અંગેના સરકારી આદેશ સામે કેસ કર્યો છે. આ આદેશ હેઠળ તેમના પર અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે અથવા તેમને વિઝા આપવામાં આવશે નહીં.
US ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ કેતનજી બ્રાઉન જેક્સનને બુધવારે કોલમ્બિયા ડિસ્ટ્રિક્ટમાં વિદેશ પ્રધાન માઇક પોમ્પીયો અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના કાર્યકારી પ્રધાન ચાડ એફ વોલ્ફે સાથે શ્રમ પ્રધાન યુજિન સ્કાલિયાને સમન્સ આપાવમાં આવ્યું હતું. મંગળવારે US ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વકીલ વાસ્ડેન બૈનિયાસે 174 ભારતીય નાગરિકો વતી દાખલ કરેલા કેસમાં કહ્યું છે કે, "સરકાર દ્વારા એચ-1 બી / એચ -4 વિઝા પર પ્રતિબંધ મૂકવાથી અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકસાન થશે."
અરજીમાં એચ-1 બી અથવા એચ-4 વિઝા આપવા પર પ્રતિબંધ મૂકવા અથવા નવા એચ-1 બી વિઝા ધારકોને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સરકારના આ આદેશને ગેરકાયદેસર જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
અમેરિકાનું વહિવટી તંત્ર વારંવાર એચ-વન બી વિઝા પર પ્રતિબંધ મૂકીને ભારતના ટેકનોક્રેટ્સને મુશ્કેલીમાં મૂકે છે. હકીકત એ છે કે, ભારતના ઇર્ન્ફોમેશન ટેકનોલોજીના નિષ્ણાતોને અમેરિકાની કંપનીઓ સામેથી બોલાવે છે અને આકર્ષક પેકેજની ઓફર કરે છે. જ્યારે-જ્યારે અમેરિકામાં બે રોજગારીની બૂમો પડે છે ત્યારે ત્યારે એચ-વન બી વિઝા પર તરાપ મારવામાં આવે છે. એચ-વન બી વિઝા પર ભૂતકાળમાં અનેકવાર બ્રેક લગાવાઇ છે અને વિરોધ થોડો ઠંડો પડે કે તરતજ ફરી પાછી છૂટછાટો આપી દેવાય છે.
એટલે જ આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલાઓ ક્યારેય એચ-વન બી વિઝા પરના નિયંત્રણોને બહુ ગંભીરતાથી નથી લેતા. અમેરિકાની ટોચની આઇટી કંપનીઓમાં મૂળ અમેરિકનો કરતાં નોન અમેરિકનોની સંખ્યા વધારે છે. અમેરિકા કોરોનાની પકડમાં હોવાની સાથે સાથે શ્વેત-અશ્વેતોના વિવાદમાં પણ ફસાયેલું છે.