સાઓ પાઉલો: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનો કોરોના વાઇરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ગત માર્ચ મહિનામાં બોલ્સોનારોનો ત્રણ વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ત્રણેય વખત નેગેટિવ આવ્યો છે. આ તપાસના રિપોર્ટની માહિતી બુધવારે જાહેર કરવામાં આવી હતી.
બોલ્સોનારોએ ફ્લોરિડામાં US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની એક બેઠકમાં ભાગ લીધો હતો, ત્યારબાદ કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ બેઠક અને આંતરરાષ્ટ્રીય યાત્રા ચર્ચા ત્યારે આવી જ્યારે બેઠકમાં સામેલ થનારા બોલ્સોનારોના નજીકના સહાયકને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો.
આ યાત્રા પર ગયેલા 23 બ્રાઝિલીયન સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ પાછળથી કોરોનાનો શિકાર થયાં હતાં. જેથી બોલ્સોનારોએ પોતાની તપાસના રિપોર્ટ જાહેર કરવા સામે સખત વિરોધ કર્યો હતો અને પત્રકારોને કહ્યું હતું કે, 9 માર્ચની મુલાકાત પછી મારી બે વાર તબીબી તપાસ કરવામાં આવી હતી. જેમાં હું નેગેટિવ આવ્યો હતો.
જો કે, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રિકાર્ડો લેવાન્ડોવસ્કીએ કોરોનાની તપાસ અંગેની માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જેથી તબીબી તપાસ જાહેર કરવામાં આવી અને રાષ્ટ્રપતિના 12 માર્ચ, 17 માર્ચ અને 21 માર્ચ ત્રણેય રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે, એવું સામે આવ્યું હતું.
મહત્વનું છે કે, બ્રાઝિલમાં કોરોના વાઇરસથી 13 હજારથી વધારે લોકોના મોત થયાં છે. બ્રાઝિલમાં કોરોના સંક્રમણથી મરનાર લોકોની સંખ્યા 13 હજારથી વધી ગઈ છે. દેશમાં 24 કલાકમાં 749 લોકોના મોત થયા છે. બ્રાઝિલ વિશ્વનો છઠ્ઠો એવો દેશ છે, જે સૌથી પ્રભાવિત છે. અહીં 1.90 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે.