- મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જીત્યો રજત પદક
- મહિલાઓની 49 કિલો વજનની લિફ્ટિંગમાં રજત મેડલ જીત્યો
- વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતનાઓએ પાઠવી શુભેષ્છા
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો Olympicમાં શનીવારે મહિલાઓની 49 કિલોગ્રામ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ રજત પદક જીત્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, આ સિવાય હું વધુ કઈ માંગી શકતો નથી. મીરા બાઈ તમને ખુબ ખુબ અભિનંદન. તમારી સફળતાથી તમામ ભારતીયોને પ્રોત્સાહન મળશે.
ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે લખ્યું કે, વેઇટલિફ્ટિંગમાં રજત પદક જીતીને ટોક્યો Olympic 2020 માં ભારત માટે મેડલ જીતવાની શરૂઆત કરવા બદલ મીરાબાઈ ચાનુને હાર્દિક અભિનંદન. ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું કે, પ્રથમ દિવસે ભારતનો પ્રથમ મેડલ. મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલો વજનની લિફ્ટિંગમાં રજત મેડલ જીત્યો. મીરા પર ભારતને ગર્વ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અને મણિપુરના મુખ્યપ્રધાને પણ અભિનંદન પાઠવ્યાં
ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યું કે, 'મીરાબાઈ ચાનુ પર ખૂબ ગર્વ છે કે, જેમણે ઓલિમ્પિક રમતોમાં મહિલાઓની 49 કિલો વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં રજત પદક જીત્યો છે. મીરા બાઈ તમને તમારા ભાવિ પ્રયત્નો માટે શુભેચ્છાઓ. મણિપુરના મુખ્યપ્રધાન એન. બિરેન સિંહે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં હતા. તેઓએ લખ્યું કે, ભારત માટે આજનો દિવસ ખુબ સારો છે. મહિલા 49 કિગ્રા વર્ગમાં મીરાબાઈ ચાનુએ રજત જીત્યો છે. ભારતે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ માટે ખાતું ખોલ્યું છે. તમે આજે દેશને ગૌરવ અપાવ્યો છે. શાબ્બાશ! બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય મુક્કાબાજ વિજેન્દ્રસિંહે પણ મીરાબાઈને અભિનંદન પાઠવ્યાં હતા. તેઓએ મીરાબાઈનો ફોટો શેર કરીને લખ્યું કે, અભિનંદન ભારત.
મીરાબાઈ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય વેઇટલિફટર
જણાવી દઈએ કે, મીરાબાઈ ચાનુ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય વેઇટલિફટર બની છે. ચાનુએ ક્લીન અને જર્કમાં 115 કિલો અને સ્નેચમાં 87 કિલોમાંથી કુલ 202 કિલો ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ અગાઉ, કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિક્સ 2000માં વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીનના હૌ ઝીઉઇએ કુલ 210 કિગ્રા (સ્નેચમાં 94 કિગ્રા, ક્લિન એન્ડ જર્કમાં 116 કિલો) સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈન્ડોનેશિયાની આઈસા વિની કન્તીકાએ કુલ 194 કિલો વજન ઉપાડીને કાંસ્ય પદક જીત્યો હતો.
રેલ્વે મિનિસ્ટ્રીએ પણ પાઠવ્યા અભિનંદન
પદક વિજેતા મીરાબાઈ ચાનને રેલવે મિનિસ્ટ્રીએ પણ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન સમગ્ર રેલ્વે પરીવારને તમારા પર ગર્વ અનુભવી રહ્યો છે.