હૈદરાબાદ: બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન હવે 'પઠાણ' બની ગયા છે. 'પઠાણ' પછી હવે શાહરુખ ખાન 'જવાન' બનીને બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે આવી રહ્યાં છે. શાહરુખ ખાન પોતાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'જવાન' માટે ચર્ચામાં છે. ફિલ્મ નિર્માતાઓેએ 'જવાન' ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રિલીઝ કરીને પહેલેથી જ ચાહકોમાં કુતૂહલ પેદા કરી દીધું છે. ત્યારે હવે આ ફિલ્મમાં 'ધ ડીલર ઓફ ડેથ'ની ભૂમિકા ભજવી રહેલા સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની ફર્સ્ટ ઝલક બતાવતું પોસ્ટર રિલીઝ કર્યું છે.
વિજય સેતુપતિની ઝલક: સાઉથના ડાયરેક્ટર અરુણ કુમાર ઉર્ફે એટલીએ અને શાહરુખ ખાને પણ વિજય સેતુપતિના લુકનું પ્રથમ પોસ્ટર શેર કર્યું છે. શાહરુખ ખાનની સામે 'જવાન' ફિલ્મમાં વિજચ સેતુપતિ વિલનના રુપમાં રજૂ કરવામાં આવ્યા છે. વિજય સેતુપતિ 'જવાન' ફિલ્મમાં હાહાકાર મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ 'જવાન'ના તાજા રીલીઝ થયેલા પોસ્ટરમાં વિજય સેતુપતિ ચશ્મા સ્ટાઈલમાં જોવા મળે છે. આ પોસ્ટર રિલીઝ કરીને લખ્યું છે કે, 'ધ ડીલર ઓફ ડેથ' એટલે મૃત્યુનો વેપારી.
ફિલ્મની સ્ટાર કાસ્ટ: શાહરુખ ખાન, નયનતારા, દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ 'જવાન' તારીખ 7 ડિસેમ્બરે સિનમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. તારીખ 7 ડિસેમ્બર 2023 સુધી રાહ જોવાનું ચાહકો માટે મુશ્કેલ થઈ ગયું છે. જ્યારથી શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટીઝર અને ટ્રેલર જોયું છે ત્યારથી ચાહકો ફિલ્મની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.
એટલીની પાંચમી ફિલ્મ: fફિલ્મના ડાયરેક્ટર એટલી અત્યારે 35 વર્ષના છે. એટલીની કારકિર્દીની વાત કરીએ તો, 'જવાન' તેમની પાંચમી ફિલ્મ છે. આ પહેલા બનાવવામાં આવેલી તેમની 4 ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. પહેલી વાર એવું બન્યું છે કે, શાહરુખ ખાન સાઉથના ફિલ્મ ઉદ્યોગના કોઈ સ્ટાર સાથે કામ કરી રહ્યાં છે. 'પઠાણ' ફિલ્મની સફળતા બાદ શાહરુખ ખાન હવે 'જવાન' સાથે ધમાકો કરવા જઈ રહ્યાં છે.