હૈદરાબાદ: પ્રખ્યાત TV અભિનેત્રી અને બિગ બોસ 14ની વિજેતા રુબીના દિલૈકે આખરે તેમના ચાહકોને ખુશીના સમાચાર આપ્યા છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે, રુબીના દિલૈક પ્રેગ્નેન્ટ છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની તસવીરો વારંવાર શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેત્રી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. પરંતુ અભિનેત્રીએ ક્યારેય તેમની પ્રેગ્નેન્સી અંગે પ્રતિક્રિયા આપી ન હતી.
રુબીના દિલૈકે આપી ગૂડ ન્યૂઝ: તાજેતરમાં અભિનેત્રીએ તેમના પતિ સ્ટાર અભિનવ શુક્લા સાથે સુંદર રોમેન્ટિક તસવીરો શેર કરીને તેમની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. હવે તેમના ચાહકો રુબીના દિલૈક પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનવ પણ તારીખ 28 સપ્ટેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આજે તારીખ 15 સપ્ટેમ્બરના રોજ રૂબીના દિલૈકે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ આપ્યા છે.
રોમેન્ટિક તસવીર શેર કરી: આ ગુડ ન્યૂઝ પોસ્ટમાં રુબીનાએ તેમના પતિ સ્ટાર અભિનવ સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે. આ મેટરનિટી ફોટોશૂટમાં કપલ બ્લેક એન્ડ વ્હાઈટ કોસ્યુમમાં અદભૂત દેખાઈ રહ્યું છે. કપલે આ ફોટોશૂટ યાર્ટ પર ઉભા રહીને કરાવ્યું છે. રૂબીનાએ પોતાની ગુડ ન્યૂઝ પોસ્ટમાં લખ્યું છે કે, ''અમે વચન આપ્યું છે કે, અમારી ડેટિંગ શરુ થઈ ત્યારથી દુનિયાની શોધખોળ કરીશું અને હવે એક ફેમિલી તરીકે કરીશું. લિટલ ટ્રાવેલરનું ટુંક સમયમાં સ્વાગત કરીશું''
અભિનવ અને રૂબીનાની પ્રથમ મુલાકાત: રૂબીના પોતાના પહેલા બાળકને જન્મ આપશે. અભિનવ અને રૂબીનાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. અભિનવ અને રૂબીનાની પહેલી મુલાકાત વર્ષ 2008ના લોકપ્રિય TV સિરિયલ 'છોટી બહુ'ના સેટ પર થઈ હતી. આ કપલ બિગ બોસ 14માં પણ જોવા મળ્યું હતું. રુબીના બિગ બોસ 14ની વિજેતા બની હતી.