- માસ્ક ન પહેરવાના કારણે વડોદરાવાસીઓએ ચૂકવ્યો 43 લાખથી વધુનો દંડ
- મહાનગરપાલિકામાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં ખુલાસો થયો:
- મ્યુનિસિપલ કોર્પોરેશને માસ્ક નહીં પહેરવા બદલ 43,81,100 રૂ.ના દંડની વસૂલાત કરી
વડોદરાઃ શહેરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન માસ્ક ન પહેરવા બદલ શહેરીજનો પાસેથી 43.81 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. એક જાગૃત નાગરિકે રાઈટ ટૂ ઈન્ફર્મેશન (RTI) અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માહિતી માગી હતી, જેમાં આ સમગ્ર ખુલાસો થયો હતો.
આ પણ વાંચો- મોરબી જિલ્લા પોલીસે કોરોનાના mask violation માટે 1.56 લાખની દંડવસૂલી કરી
શહેરના વહિવટી કુલ 12 વોર્ડમાંથી 1 હજાર રૂપિયા દીઠ કુલ 43.81 લાખની દંડની રકમ પાલિકાની જેટ ટિમ દ્વારા વસુલાઈ
કોરોનાના કપરા કાળમાં માસ્ક મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 43,81,100 રૂપિયાના દંડની વસૂલાત કરી હોવાની વિગત સામે આવી છે. શહેરના એક જાગૃત નાગરિક અતુલ ગામેચીએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં RTI કરીને આ સમગ્ર વિગત બહાર કઢાવી હતી. આ સાથે જ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ RTI કરનારા વ્યક્તિએ દંડની વસૂલાત કેટલી વ્યાજબી તે અંગે સવાલ ઉઠાવી મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર રીતે દંડની વસૂલાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલે હવે તેમણે આ અંગે તપાસની માગ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વોર્ડ 1માંથી વસૂલાયેલા દંડની રકમ 6,22,750 રૂપિયા, વોર્ડ નંબર 2માંથી 2,72,500 રૂપિયા, વોર્ડ 3માંથી 4,27,300 રૂપિયા, વોર્ડ નંબર 4માંથી 5,59,250 રૂપિયા, વોર્ડ નંબર 5માંથી 3,81,700 રૂપિયા, વોર્ડ નંબર 6માંથી 1,73,400 રૂપિયા, વોર્ડ નંબર 7માંથી 5,12,100 રૂપિયા, વોર્ડ નંબર 8માંથી 75,000 રૂપિયા, વોર્ડ નંબર 9માંથી 3,44,200 રૂપિયા, વોર્ડ નંબર 10માંથી 2,91,500 રૂપિયા, વોર્ડ નંબર 11માંથી 2,59,000 રૂપિયા, વોર્ડ નંબર 12માંથી 4,62,400 રૂપિયા મળી કુલ અંદાજિત રકમ 43,81,100 રૂપિયાનો દંડ નગરજનોએ ચૂકવ્યો છે.
આ પણ વાંચો- સુરત ગ્રામ્યમાં પોલીસે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 6.63 કરોડનો દંડ વસૂલ્યો
આ રકમ વડોદરાવાસીઓ પાછળ ઉપયોગ કરવા RTI કરનારાની માગ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને RTI અંતર્ગત માહિતી માંગનારા જાગૃત નાગરિક અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોના કાળમાં આંશિક લોકડાઉન દરમિયાન જ્યારે જ્યારે છૂટછાટ મળી હતી. ત્યારે ત્યારે નાગરિકો જે રીતે શહેરોના રોડ ઉપર ફરવા નીકળી પડતા હતા. તે સમયે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈનું માસ્ક નીચું હોય, કોઈએ માસ્ક પહેર્યુ ન હોય કે રૂમાલ બાંધ્યો ન હોય તેવા સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે દંડ ઉઘરાવ્યો હતો. આમ, અલગ અલગ વોર્ડમાંથી 1 લાખ રૂપિયાથી વધુનો દંડ એમ કુલ મળીને 43 લાખ રૂપિયાથી વધુનો દંડ ઉઘરાવ્યો છે. બીજી તરફ પોલીસે પણ લોકો પાસેથી મસમોટો દંડ વસૂલ્યો છે.
અત્યારે લોકો બેરોજગાર છે ને મ્યુનિસિપલ કોર્પોરેશન દંડ વસૂલવામાં લાગી છે
કહી શકાય કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વાયત્ત સંસ્થા છે તો કયા હિસાબે મ્યુનિસિપલ કોર્પોરેશને આ દંડ ઉઘરાવ્યો છે. બીજી તરફ જઈએ તો કોરોના કાળમાં લોકો બેરોજગાર છે. કોઈની પાસે નાણાં નથી, ખાવા પીવાના રૂપિયા નથી. સાથે સાથે કોરોના કપરો કાળ હતો ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જનતાને મદદ કરવી જોઈએ. માસ્ક, રૂમાલ, સેનિટાઈઝર આપવું જોઈએ. તેની જગ્યા પર શહેરના નાગરિકોને માસ્કના નામે લૂંટયા છે તેવું સાબિત થાય છે. આગામી દિવસોમાં શહેરના મેયર અને કમિશનરને આ બાબતે રજૂઆત પણ કરીશું. આ જ રીતે આ દંડની રકમ વસૂલી છે. હવે પછી ક્યારેય પણ આરોગ્યલક્ષી કાર્યક્રમ કરવામાં આવે તો આ દંડના વસુલેલા નાણાં જનતા પાછળ વાપરવામાં આવે,જનતાને માસ્ક,સેનેટાઈઝર આપવામાં આવે કેમકે ત્રીજી લહે આવશે ત્યારે વધુમાં વધુ તકલીફ પડશે તે સમયે આ તમામ નાણા જનતા માટે વાપરવામાં આવે તેવી માગણી જાગૃત નાગરિક અતુલ ગામેચીએ કરી હતી.