- કાનજી મોકરિયાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
- અશોક જૈનના આગોતરા જામીન અરજીની સુનવણી મોકૂફ
- રાજુ ભટ્ટને કોરોના રિપોર્ટ બાદ ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર કરાશે
વડોદરા: શહેરના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં સોમવારે રાત્રે સૌપ્રથમ આરોપીની ધરપકડ કરાઈ હતી. કેસના મુખ્ય 2 આરોપી પૈકી રાજુ ભટ્ટને ફરાર થવામાં મદદરૂપ થનાર હાર્મોની હોટલ અને શ્રી નંદન કુરિયરના માલિક કાનજી મોકરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારબાદ આજે બુધવારે તેને કોર્ટમાં રજૂ કરીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેની સામે કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
કાનજી મોકરિયાની પૂછપરછ બાદ રાજુ ભટ્ટની કરાઈ હતી ધરપકડ
સોમવારે રાત્રે કાનજી મોકરિયાની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેના બીજા દિવસે એટલે કે મંગળવારે ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢથી મુખ્ય 2 આરોપીઓ પૈકી રાજુ ભટ્ટની જૂનાગઢની ધરપકડ કરી હતી. તેના પરથી એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે, પૂછપરછમાં કાનજી મોકરિયાએ વટાણા વેરી દેતા જ રાજુ ભટ્ટ ક્યાં સંતાઈને બેઠો છે, તેની પોલીસને જાણ થઈ હતી.
રાજુ ભટ્ટને ગુરૂવારે રજૂ કરાશે કોર્ટમાં, અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનવણી મોકૂફ
આ કેસના મુખ્ય આરોપીઓ પૈકી રાજુ ભટ્ટની મંગળવારે ધરપકડ કરાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ગુરૂવારે તેને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ફરાર આરોપી અશોક જૈને પોતાના વકીલ મારફતે કોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજીની સુનવણી કોર્ટ દ્વારા સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે.