વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માત્ર દિવ્યાંગો માટે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 19 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સંસ્કૃતિ ગરબા ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગો માટે રાત્રી 'આફ્ટર નવરાત્રી'નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 800થી વધુ દિવ્યાંગો જોડાયા હતા અને અન્ય યુવાનો યુવતીઓની જેમ ગરબા અને રાસ રમીને માતાજીની આરાધના કરી આનંદ લીધો હતો.
આ ગરબા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહયા હતા.યુવા વૈષ્ણવાચાર્ય પૂ.શરણમકુમાર, રાજેશ આયરે તેમજ અન્ય આમંત્રિત મહેમાનોએ માતાજીની આરતી કરી હતી.ત્યારબાદ દિવ્યાંગો માટેનો ગરબા મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 40થી વધુ સંસ્થાઓનાં દિવ્યાંગો અહીં ગરબા અને રાસ રામવા માટે ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને આવ્યા હતા.દિવ્યાંગો મન મુકીને તેમની શારીરીક તેમજ માનસિક અવસ્થા વીસરીને ગરબા અને રાસનો આનંદ માણી રહ્યા હતા.
વિશેષ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત અબાલ વૃદ્ધ સહિત દિવ્યાંગોએ તેમની શક્તિ અનુસાર માતાજીની ભક્તિ કરીને દિવ્યાંગ બાળકો, બાળકીઓ, યુવાનો,યુવતીઓ વિવિધ શૈલીમાં ગરબે રમ્યા હતા. કોઈક કાખ ઘોડી લઈને તો, કોઈક વ્હીલ ચેર પર, તો અમુક દિવ્યાંગોએ બેઠા બેઠા તેમજ તેમને ફાવે તે રીતે ગરબે ઘૂમીને નવરાત્રી ઉત્સવનો આનંદ લીધો હતો.