- સાવલીના માલઅંકાલીયા ગામે મુસાફરો ભરેલી લકઝરી બસને આંતરી કાંચની તોડફોડ કરાઈ
- ચાલકને માર મારી અજાણ્યા ઈસમો ફરાર
- ઈજાગ્રસ્તને સાવલી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
વડોદરા: સાવલી તાલુકાના માલઅંકાલીયા ગામ પાસેથી પસાર થતી લકઝરી બસને આંતરી ડ્રાઇવરને માર માર્યો હોવાનો બનાવ સાવલી પોલીસ મથકે નોંધાયો હતો.જે બાદ પોલીસે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂની અદાવત રાખી હુમલો કર્યો હોવાની શંકા
સાવલી - હાલોલ રોડ પરના માલ આંકલીયા ગામની સીમમાં પેટ્રોલ પંપ પાસે બે મહિના પહેલાં અન્ય બસ સંચાલક સાથે થયેલી તકરારની જૂની અદાવત બાબતે બોલેરો ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ પેસેન્જર ભરેલી લકઝરી બસ આંતરી બસની આગળના કાચ તોડી નાખ્યા હતા. તો આ સાથે ડ્રાઇવરને માર પણ માર્યો હતો. ઈજાગ્રસ્ત બસચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આરોપીઓ બસચાલકને માર મારીને ફરાર
છોટાઉદેપુર જિલ્લાના કોઠારા ગામેથી શ્રમજીવી પરિવારના પેસેન્જરને સૌરાષ્ટ્ર લઈ જતી લકઝરી બસને સાવલી-હાલોલ રોડ પરના માલ-અંકાલીયા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં બોલેરો ગાડી લઈને આવેલા શખ્સો દ્વારા આંતરી ગાડીની આગળના મુખ્ય કાંચને લાકડીના ફટકા મારી તોડી નાખવામાં આવી હતી. આરોપીઓ બસચાલક ગોવિંદ રાઠવાને માર મારીને ફરાર થઈ ગયા હતા. જેની જાણ સાવલી પોલીસને થતાં સાવલી પોલીસ સહિત 108 એમ્બ્યુલસ સેવા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલ બસચાલકને 108 દ્વારા સાવલી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સાવલી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
પેસેન્જર સહિતની લકઝરી બસને સાવલી પોલીસ મથકે લાવીને બસચાલક ગોવિંદ સના રાઠવાની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી. ગોવિંદ રાઠવાએ લખાવેલી ફરિયાદ મુજબ બે મહિના અગાઉ પેસેન્જર વહન કરતી અન્ય બસના સંચાલક સાથે પેસેન્જર વહન બાબતે થયેલી તકરારની અદાવત રાખીને ડ્રાઇવરને માર મારવામાં આવ્યો હતો. જે બાબતે બસચાલક ગોવિંદ રાઠવાની ફરિયાદને આધારે સાવલી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.