- વડોદરામાં કોરોના દર્દીઓની સેવામાં વધારો કરવામાં આવ્યો
- રાજ્ય સરકાર દ્વારા 10 નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
- અમદાવાદ હેડકવોટર્સ ખાતેથી નવી એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી
વડોદરાઃ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ દર્દીઓને હોસ્પિટલ સુધી આવવા જવા માટે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેર અને જિલ્લા માટે 10 નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
સોમવારથી એમ્બ્યુલન્લસ કાર્યરત
સમગ્ર ગુજરાતમાં જે રીતે કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. તેમાંય વડોદરા શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને કોવિડના ગંભીર દર્દીઓને તથા અન્ય કેસોના દર્દીઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડી તેમને સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેર-જિલ્લા માટે ઇમરજન્સી 108ની 10 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. સોમવારે શહેરના SSG હોસ્પિટલ ખાતે અમદાવાદથી આ 10 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. જે હવે શહેર અને જિલ્લાના દર્દીઓને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ થઇ શકશે.
આ પણ વાંચોઃ વડોદરામાં કોરોના પરિસ્થિતિને લઈ 108 એમ્બ્યુલન્સ સેવા વધારવામાં આવી
ઓક્સિજન, પલ્સ ઓક્સોમીટર સહિતની તમામ સુવિધાઓથી સજ્જ
આ અંગે માહિતી આપતા વડોદરા આણંદના 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર અને જિલ્લાને 10 નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જે કોવિડ 19 મહામારીમાં લડવા માટે મદદરૂપ બનશે. જેમ નોર્મલી 108માં સુવિધા હોય છે, ઓક્સિજન, પલ્સ ઓક્સીમીટર અને થર્મોમીટર આ તમામ પ્રકારની સુવિધાઓ આ નવી 108માં ઉપલબ્ધ છે. અમદાવાદ એએમઆરઆઈનું સરકારનું હેડકવોટર્સ છે, ત્યાંથી 10 નવી 108 આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ફાળવવામાં આવી છે. માત્ર 2-3 કલાકના સમયગાળામાં જે મેન પાવરથી ઓપરેશનલ થઈ જશે. હાલ વડોદરામાં કોઈપણ પ્રકારની 108ની અછત નથી અને દરેક વ્યક્તિને 108 ખૂબ જ સમયસર મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ-બે મહિનાથી વડોદરા શહેર અને જિલ્લામાં જીવલેણ કોરોનાની મહામારી બેકાબૂ બની છે. કોરોનાની ઝપેટમાં શહેર- જિલ્લામાંથી સંખ્યાબંધ દર્દીઓ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ રહ્યા છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. એટલું જ નહીં દર્દીઓને દાખલ થવા માટેના બેડ પણ મળતાં ન હોવાની કેટલીક ફરિયાદો ઉઠી છે, ત્યારે રોજ-બરોજના મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા શહેર-જિલ્લાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોરોનાની સેવામાં મહામારીને ધ્યાનમાં રાખી વડોદરા શહેર-જિલ્લાના કોરોના દર્દીઓની સેવા માટે વધારાની નવી 10 જેટલી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.