- સાવલીમાં ABVPએ કર્યો વિરોધ : ઘર્ષણના દ્રશ્યો સર્જાયા
- ઈન્ટર્નશિપ કરતા તબીબોના સ્ટાઈપેન્ડ મુદ્દે ધરણા કરી કર્યું ચક્કાજામ
- સરકારના પરિપત્ર પ્રમાણે સમયસર સ્ટાઈપેન્ડ ચૂકવવા કરી માગ
વડોદરા : જિલ્લાના સાવલીમાં ગુજરાત હોમિયોપેથી મેડિકલ કોલેજ આવેલી છે. જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં ઈન્ટર્નશિપ કરતા સેંકડો તબીબો સ્ટાઈપેન્ડ વધારાના મુદ્દેના છુટકે આંદોલનના માર્ગે ઉતર્યા હતા. જેમાં સૌપ્રથમ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમ છતાં તબીબ વિદ્યાર્થીઓની માંગણીઓ નહીં સ્વીકારતા આંદોલનને ઉગ્ર બનાવતાં કોલેજના ગેટ પાસે ધરણા પ્રદર્શન તેમજ ઘંટનાદના કાર્યકમ યોજ્યા બાદ ઈન્ટર્નશીપ કરતા તબીબોએ સાવલી હાલોલ રોડ પર ધરણા પર બેસી ચક્કાજામ કર્યું હતું.
સ્ટાઈપેન્ડ નિયમિતતાથી ચૂકવાય તેવી માગ
ABVPના નેતા સિદ્ધાર્થ પટેલે જણાવ્યા પ્રમાણે રાજ્યસરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ પ્રમાણે મેડિકલ, ડેન્ટલ, ફિજીઓથેરાપી, હોમિયોપેથી, અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના રેસિડેન્ટના સ્ટાઈપેન્ડના દરોમાં વધારો કરાયો છે, છતાં પણ સ્ટાઈપેન્ડ ઓછું તેમજ અનિયમિત ચૂકવાય છે. જેને વહેલી તકે અને નિયમિતતાથી ચૂકવાય તેવી માગ સાથે તેઓ આંદોલન પર ઉતર્યા હતા અને હજૂ પણ આંદોલનને ઉગ્ર બનાવી ગાંધીનગર તેમજ આયુષ મંત્રાલયની બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ અંગેની સાવલી પોલીસને માહિતી મળતા, સાવલી પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચીને ચક્કાજામ કરતાં તબીબોને રસ્તો ખાલી કરી આપવા સમજાવ્યું હતું. જેમાં તબીબોએ પોલીસને કોઈ પ્રતિક્રિયા ન આપતા બળ પ્રયોગ કરી પોલીસ સ્ટાફે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
ગુજરાત હોમિયોપેથી કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું
સાવલીની હોમિયોપેથી કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાજ્ય સરકારના સ્ટાઈપેન્ડ વધારાના પરિપત્ર મુજબ સ્ટાઈપેન્ડ વહેલું અને સમયસર ચૂકવાય તેવી માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યાં હતા. રસ્તો રોકી ચક્કજામ કરતાં ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે વાહનચાલકો અટવાયાં હતાં.