વડોદરા: શહેરના ખંડેરાવ માર્કેટ પાછળ ફૂલ બજાર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ફૂલોનો વેપાર કરે છે. તેઓની બેઠક વાળી જગ્યાએ તંત્ર દ્વારા પતરાનો શેડ ઉભો કરવામાં આવ્યો હતો. આ સ્થળ કેટલાંક દિવસોથી જોખમી લાગતા વેપારીઓ દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જોકે, વહેલી તકે આ અંગે નિર્ણય નહીં લેવાતા ભારે વરસાદમાં અચાનક પતરાનો શેડ ધરાશાઈ થતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં. જે જગ્યા પર પતરાનો શેડ ધરાશાઈ થયો હતો. ત્યાં સાત જેટલા વેપારીઓ વેપાર કરી રહ્યા હતા અને અચાનક પતરાનો શેડ ધરાશાઈ થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. સદનસીબે કોઇ વ્યક્તિને જાનહાનિ ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. વેપારીઓની રજૂઆત બાદ પણ સમયસર સમારકામ હાથ ન ધરવામાં આવતા આ દુર્ઘટના ઘટી હતી.