વડોદરાઃ મંગળવારે સાંજે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના ઈમરજન્સી સારવાર કેન્દ્રના કોવિડ ICUમાં આગ લાગવાની ઘટના બની હતી. જેને લઈ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, ત્યારે બુધવારે આ આગની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે દર્દીની બાજુમાં જ વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા બાદ આગ લાગી છે અને એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
આ સમગ્ર ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કોઈ અન્ય શોર્ટ સર્કિટને કારણે નહીં, પરંતુ ICUમાં દર્દીને લાગવાયેલા વેન્ટિલેટરમાં જ સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી. જેથી ICUમાં ફરજ પર હાજર તબીબ અને નર્સિંસના સ્ટાફે સતર્કતા દાખવીને સારવાર લઈ રહેલા કોરોનાં દર્દીઓને ત્વરિત આ વોર્ડમાંથી ખસેડ્યા હતા.
પ્રશાસને સયાજી હોસ્પિટલના કોવિડ ICUમાં આગની હોનારતને ગંભીરતા સાથે લઈને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવના દિશાસૂચન પ્રમાણે સમુચિત કાર્યવાહી હાથ ધરી છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 30ની જોગવાઈઓ પ્રમાણે 4 સદસ્યોની તપાસ સમિતિની રચના કરવા હુકમ કર્યો છે.
આ સમિતિને ઘટના સ્થળની મુલાકાત લઈ ખૂબ ઝીણવટભરી તપાસ કરી વિગતવાર અહેવાલ વહેલામાં વહેલી તકે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સુધીર પટેલના આ સિમિતિના અધ્યક્ષ છે. આ સાથે જ આ સમિતિના અન્ય સદસ્યોમાં GMERS મેડિકલ કૉલેજ, ગોત્રીના ડીન વર્ષા ગોડબોલે, આ સંસ્થાના જ એસોસિએટ પ્રાધ્યાપક ( એનેસ્થેટિક ) નીતા બોસ અને MGVCL, વડોદરાના અધિક્ષક ઇજનેર બી.જે.દેસાઈ સામેલ છે.
આ પણ વાંચોઃ સયાજી હૉસ્પિટલ અગ્નિકાંડઃ વડોદરાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની આગેવાની હેઠળ કમિટી તપાસ કરશે
એસ.એસ.જી હોસ્પિટલમાં આગ લાગવાના મામલે કમિટીએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જે અંતર્ગત બુધવારે તપાસ કમિટીએ હોસ્પિટલમી મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આ તપાસ કમિટી ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે. આગમાં બળી ગયેલા વેન્ટિલેટરની તપાસ ટીમ કરશે. આ ઉપરાંત અન્ય સાધનો પણ કમિટીએ ચકાસ્યાં હતા. આગામી 4 દિવસમાં તપાસ કમિટી આ મામલે રિપોર્ટ રજૂ કરશે.