વડોદરા: શિનોર તાલુકા સહિત વડોદરા જીલ્લાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ ન થતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. શિનોર તાલુકામાં ચાલુ વર્ષે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે, અને એક બાજુ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ,જેના કારણે શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીના પાણી દિવેર ગામની સીમમાં ફરી વળ્યાં હતા.
દિવેર ગામની સીમમાં પાણી ફરી વળતા ખેતરોમાં તૈયાર કરેલા ખેતીના પાક ,કપાસ ,તુવેર ,દિવેલા સહિત ઉભા પાકને 100 ટકા જેટલું નુકશાન થવા પામ્યું છે. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ રૂપિયા 3700 કરોડના આર્થિક વળતર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિનોર તાલુકા સહિત વડોદરા જીલ્લાનો સમાવેશ કરવામાં નહીં આવતાં દિવેર ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં શિનોર તાલુકાનો સમાવેશ નહીં કરવામાં આવે તો આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર તેમજ ધારાસભ્ય અને નેતાઓને દિવેર ગામમાં પ્રવેશવા દેવામાં નહિ આવે એવી ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.